ન્યાય યોજના દ્વારા ૨૦ ટકા ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨ હજારની સહાય, ૩૪ લાખ રોજગારીનું સર્જન, અલગ ખેડૂત બજેટ, દરેક નાગરિકો માટે આરોગ્ય અધિકાર, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત સહિતના અનેક વાયદાઓ મતદારોને અપાયા
લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો ‘જન અવાજ’ જાહેર કર્યો છે. નવી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યાલયમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યો હતો. ‘ગરીબી પર વાર, ૭૨ હજાર’ના સુત્ર સાથે આ ઢંઢેરામાં કોંગ્રેસે ન્યાય, રોજગાર, ખેડુત, શિક્ષણ અને હેલ્થ સેકટર એમ પંદર વિભાગોમાં અલગ અલગ વાયદાઓ મતદારોને કર્યા છે.
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ની આગેવાનીમાં એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ બનાવેલો ચૂંટણી ઢંઢેરા ‘જન અવાજ’ને આજે કોંગ્રેસના વરિષ્ટ આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેર કરાયો હતો. આ ઢંઢેરામાં પ્રથમ સ્થાન ન્યાય યોજનાને આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો ન્યુનતમ આમ યોજના ‘ન્યાય’ની શરૂઆત કરીને દેશના સૌથી ગરીબ ૨૦ ટકા પરિવારોને દર વર્ષે ૭૨ હજાર રૂપીયા તેના બેંક ખાતામાં જમા કરાવશે.
બીજુ મહત્વ રોજગારને આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે દેશમાં બેરોજગારી હટાવવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ૩૪ લાખ નોકરીનું સર્જન કરાશે. કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી ૪ લાખ નોકરીઓને માર્ચ ૨૦૨૦ પહેલા ભરવાનું, રાજય સરકારોમાં ખાલી પડેલી ૨૦ લાખ નોકરીઓને ભરવાનું તથા દરેક ગ્રામ પંચાયતો અને સ્થાનિક શહેરી ક્ષેત્રોમાં ૧૦ લાખ ‘સેવામિત્ર’ પદો ઉભા કરવાનું જયારે ખાનગી ક્ષેત્રોમાં મહિલાઓને વધુ નોકરી આપનારાઓને પ્રોત્સાહન આપવાનું તથા ૧૦૦થી વધુ કર્મચારીઓ વાળા વ્યવસાયોને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ તાલીમ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
આ ચૂંટણી ઢંઢેરામાં ખેડુતો માટે જે વચનો અપાયા છે. તે મુજબ દેવામાફીથી દેવા મૂકિતનો રસ્તો તૈયાર કરવાનું વચન આપવામાં આવ્યું છે. ખેડુતોને ફાયદો કરાવે તેવો ભાવ, ઓછો ખર્ચ થાય તેવી યોજના બનાવવાની સાથે દર વર્ષે અલગથી ખેડુત બજેટ જાહેર કરવાની અને ખેતીના વિકાસ અને યોજના પર એક રાષ્ટ્રીય આયોગ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે.
જયારે, આરોગ્ય ક્ષેત્રે દેશના દરેક નાગરીકોને આરોગ્ય અધિકારનો કાયદો લાવવાનું તથા આ કાયદા દ્વારા સરકારી હોસ્પિટલોની સાથે નકકી કરાયેલી ખાનગી હોસ્પિટલોમાં દરેક નાગરીકોને મફત નિદાન, ઈલાજ અને દવાઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં આરોગ્ય સેવા પાછળ થનારો ખર્ચ બમણો કરીને જીડીપીના ૩ ટકા સુધી લઈ જવાનું વચન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસે દેશભરમાં એક ટેકસદર નિકાસનું રેટીંગ શુન્ય તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓમાં જીએસટી ટેકસમાં રાહત આપીને જીએસટી ટેકસ માળખાને સરળ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે. સાથે પંચાયતો અને નગરપાલીકાઓ જીએસટી ટેકસની આવકનો એક ભાગ આપવાનું વચન આપવામા આવ્યું છે. એનડીએ સરકારમાં રક્ષાખર્ચમાં થયેલા ઘટાડો થયાનો આક્ષેપ કરીને કોંગ્રેસે સશસ્ત્ર દળોને વિવિધ સુવિધાઓ આપવા રક્ષા ખર્ચમાં વધારો કરવાનું વચન આપ્યું છે. સશસ્ત્ર દળોને આધુનિકીકરણ કરવાની કામગીરીમાં પારદર્શકતા આવે તે માટે ખાસ કાર્યક્રમો બનાવવાનું તથા અર્ધ લશ્કરી દળોના જવાનો તથા તેમના પરિવારજનોને સામાજીક સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં ધરખમ સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું છે.
સરકારી સ્કુલોમાં ધો.૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મફત અને ફરજીયાત બનાવવા ઉપરાંત સ્કુલો માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ આપવાની અને યોગ્ય લાયકાતવાળા શિક્ષકો ભરવાની તથા વર્ષ ૨૦૨૩-૨૪ સુધી શિક્ષણ માટે બજેટની ફાળવણી ડબલ કરીને જીડીપીના છ ટકા સુધી લઈ જવાનું વચન અપાયું છે. જયારે મહિલા સશકિતકરણ માટે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાનું તથા આ માટે આગામી લોકસભાના પહેલા સત્રમાં જ ખરડો પસાર કરવાનું કોંગ્રેસે વચન આપવાની સાથે કેન્દ્ર સરકારની ખાલી પડેલી સરકારી નોકરીઓમાં ૩૩ ટકામહિલા અનામત રાખવાનું વચન આ ઢંઢેરામાં આપવામાં આવ્યું છે.
આદિવાસીઓ માટે વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ને લાગુ કરીને તેમના અધિકારોનું રક્ષણ કરવાની સાથે તેમને જંગલ બહાર નહી ધકલેવાનું તથા ગેર ઈમારતી લાકડા સહિતની વનઉપજો માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવાનું વચન આપવામાં આવ્યું છે. આદિવાસીઓને રોજગારી આપવા તથા આવકમાં સુધારો કરવા ગેર ઈમારતી લાકડા સહ્તિની વન ઉપજો પર ટેકાના ભાવો આપવાનું પણ વચન અપાયું છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જે નાગરીકો પાસે ઘર કે જમીન નહી હોય તેમને ઘર બનાવવા માટે જમીન આપવાનું વચન પણ આ ઢંઢેરામાં આપવામાં આવ્યું છે.
છેલ્લા થોડા વર્ષોમાં ટોળા દ્વારા થતી હિંસા અને ગૌ હત્યાનાનામે થતી હત્યામાં થયેલા વધારા સામે ચિંતા દર્શાવીને તે માટે ખાસ કાયદો ઘડવાની પત્રકારો, વિદ્યાર્થીઓ, કલાકારો, શિક્ષણ શાસ્ત્રીઓની બાબતો ખાનગી રાખવા એક કાયદો પસાર કરવાનો, રીઝર્વ બેંક, સીબીઆઈ, સીઆઈસી, ચૂંટણી પંચ વગેરરે જેવી સ્વાયત સંસ્થાઓને સ્વાયતા રાખવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો રોજગારી આવાસ, પરિવહન, જલવાયું પ્રદુષણ મૂકત વાતાવરણ વગેરે સુવિધાઓ સહિતની મતદારોને અનેક માળખાકીય સુવિધાઓ આપવાનું કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે.