બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ, મહિલાઓ ઉપર વધી રહેલા અત્યાચાર અને ખેડૂતોના પ્રશ્ર્ને કોંગ્રેસને વિધાનસભાનો ઘેરાવ ન કરવા દેવાયો
ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું: કૂચ દરમિયાન તોફાની કાર્યકર્તાઓએ પોલીસની ગાડીના કાચ ફોડયા
વિધાનસભાનાં ત્રિ-દિવસીય શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા કુચ કરીને વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે પાણીમારો ચલાવીને કુચને રોકી હતી અને નેતાઓની અટકાયત પણ કરી લીધી હતી. આ દરમિયાન કુચમાં રહેલા તોફાની આગેવાનોએ પોલીસની ગાડીના કાચ ફોડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજથી વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે બીન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ, દુષ્કર્મની ઘટનાઓ અને પાક વીમા સહિતના પ્રશ્ર્ને કોંગ્રેસે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. આ માટે રાજ્યભરમાંથી કોંગી આગેવાનોની વિધાનસભા કુચનું પણ એલાન આપવામાં આવ્યું હતું. એલાનને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
ગાંધીનગર ખાતે કુલ ૬ એસપી, ૨૫ ડીવાયએસપી અને ૭૦ જેટલા પીએસઆઈ તેમજ ૨૦૦૦ જેટલા પોલીસ કર્મીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીનગરના પ્રવેશદ્વાર ઉપર ઠેર-ઠેર પોલીસ જવાનો ખડકાઈ ગયા હતા. આ દરમિયાન વિધાનસભા તરફ આગળ વધી રહેલી કુચ ઉપર પોલીસ દ્વારા પાણીમારો ચલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત પણ કરી લીધી હતી. અમીત ચાવડા, અર્જૂન મોઢવાડીયા સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક તોફાની કાર્યકર્તાઓએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કરીને કાચ ફોડી નાખ્યા હતા. અમિત ચાવડાએ અટકાયત વેળાએ કહ્યું હતું કે, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ ઉપર અત્યાચારો મામલો અમારો વિરોધ છે. આ વિરોધ જયાં સુધી સરકાર નક્કર પગલા નહીં લે ત્યાં સુધી યથાવત રહેવાનો છે. ઉપરાંત કોંગ્રેસના આગેવાનોએ એવા આક્ષેપો કર્યા હતા કે, પોલીસે કોંગ્રેસ પ્રમુખના કપડા ફાડી નાખ્યા હતા અને આગેવાનો ઉપર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સત્રના આજે પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય પ્રધાન દિલીપ પરીખને શોકાંજલી આપવાની સાથે બેઠક પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. જ્યારે બીજી બેઠકમાં પ્રશ્ર્નોતરી એમએસએમઈ તથા ઈલેકટ્રીસિટીના કાયદા મુજબ સુધારા બીલ રજૂ કરવામાં આવ્યું હતું. આવતીકાલે સત્રના બીજા દિવસે પાંચ બીલ હાથ ઉપર લેવામાં આવનાર છે. જેમાં જીએસટીને લગતુ બીલ તેમજ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં સુધારા દાવા ચૂકવવાની મુદત ૯૦ થી વધારી ૩૬૫ દિવસ કરવાનું બીલ તેમજ સરકારી મંડળીના અધિનિયમનો સુધારો, પ્રોફેશનલ ટેકનોલોજી બીલ રજૂ કરવામાં આવશે. સત્રના ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે એક અલગ ઓથોરીટી બીલ લાવવામાં આવશે.
આ વિધેયક અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ભીખ માંગવી કે દલાલી કરવી એ ગુનો બનશે અને આ પ્રકારના ગુના બદલ વ્યક્તિને એક માસની કેદ અને રૂ.૫૦૦૦ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીનો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા લાવશે.