સીએએ દેશના કોઈપણ ભારતીય નાગરિકને અસર કરતો નથી કે કયાંક કોઈપણ દ્દષ્ટીકોણથી લાગુ પડતો નથી, આ કાયદામાં નાગરિકતા દેવાની વાત છે, કોઈની પણ “નાગરિકતા પાછી લેવાની કોઈ વાત જ નથી
નાગરિકતા સંશોધન કાયદા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વારંવાર સ્પષ્ટતા કરી છે કે દેશના કોઈપણ ભારતીય નાગરીકને આ કાયદો અસર કરતો નથી કે કયાંક કોઈપણ દ્દષ્ટીકોણથી લાગુ પડતો નથી, આ કાયદામાં નાગરિકતા દેવાની વાત છે. કોઈની પણ નાગરિકતા પાછી લેવાની કોઈ વાત જ નથી. આ ભારત દેશના અલ્પસંખ્યકો માટે નથી, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશના અલ્પસંખ્યકો એટલે કે, જે લોકો તે દેશોમાં અત્યાચારોથી પીડિત છે તેવા લોકોને નાગરિકતા દેવા અંગેની વાત છે. આટલી સાદી, સરળ, સ્પષ્ટ અને સંવેદનાસભર વાત હોવા છતાં કોંગ્રેસના જ રાજકીય દોરી સંચારથી દેશ-ગુજરાતમાં જે-જે દેખાવો થયા છે તે માત્રને માત્ર કોંગ્રેસની અફવા, અપપ્રચાર અને અશાંતિ ફેલાવવાના વિકૃત રાજકીય બદઈરાદાથી થયા છે. કોંગ્રેસનો આ વિકૃત રાજકીય બદઈરાદો એ રાષ્ટ્ર હિત અને રાષ્ટ્રીય એકતા માટે જોખમકારક છે. તેમ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું
પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. ગાંધીજીના સત્ય-પ્રેમ-અહિંસા અને સરદાર પટેલના એકતા અને અખંડિતાના વિચારો સાથેના ગુજરાતમાં કોંગ્રેસ વિઘટનકારી અને હિંસા ફેલાવવાના પ્રયાસ ન કરે. કોંગ્રેસના રાજકીય દોરી સંચારથી થયેલ બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે. તોડફોડ અને હિંસા કરવાના પ્રયાસને ગુજરાતની જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે. તમામ કોમ, તમામ સંપ્રદાય, તમામ ધર્મના લોકોએ આ બંધને નિષ્ફળ બનાવીને આ પ્રકારના ભ્રામિત અને વેર-ઝેર ફેલાવવાના વિચારોને સંપૂર્ણ જાકારો આપ્યો છે તે બદલ ગુજરાતની જનતાનો ભાજપા વતી ખૂબ-ખૂબ આભાર માનું છું અને આગામી સમયમાં પણ ગુજરાતની શાંતિ-પ્રેમ-એકતા-અહિંસા અને વિકાસની ઓળખને જાળવી રાખવામાં હંમેશા સાથ-સહકાર આપશે એવી હદયપૂર્વકની અપિલ કરું છું.
પંડ્યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકારમાં સેવાસેતુ, ગરીબ કલ્યાણ મેળા, ખેડૂત સન્માન નિધી, ર્માં કાર્ડ હોય કે આયુષ્યમાન યોજના સહિત તમામ યોજનાઓમાં તમામ લોકો હળી-મળીને લાભ મળે છે. ગુજરાત સૌનો સાથ-સૌનો વિકાસના મંત્ર સાથે ચાલે છે તેની પ્રતિતી ગુજરાતની સાડા છ કરોડ જનતાને છે. કોંગ્રેસ ભેદભાવ અને વેર-ઝેર ઉભા ન કરે તે સમાજ અને ગુજરાતના હિતમાં છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ ઈઅઅ નો વિરોધ કરતા પહેલા કોંગ્રેસે પોતાનો જ ભૂતકાળ તપાસી લેવો જોઈએ. જવાહરલાલ નહેરૂ, રાજેન્દ્ર પ્રસાદજીએ આઝાદી સમયે શું કહ્યું હતું ? કોંગ્રેસ પાર્ટીનો તા. ૨૫મી નવેમ્બર, ૧૯૪૭માં કોંગ્રેસ કાર્યકારિણીનો લિખિત સંકલ્પ હતો કે, કોંગ્રેસ પાકિસ્તાનના તમામ ગેર મુસ્લિમોને પૂર્ણ સુરક્ષા દેવા માટે બંધાયેલ કે, જેઓ તેમના જીવન અને સન્માનની રક્ષા કરવા માટે સરહદ પારથી ભારતમાં આવે કે આવવા માંગતા હોય. કોંગ્રેસના જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે તા. ૧૮મી ડીસેમ્બર, ૨૦૦૩માં કહ્યું હતું કે, અલ્પસંખ્યકોને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઉત્પિડનનો સામનો કરવો પડે છે. જો તેમને આ હાલત મજબૂર કરતી હોય તો આપણું નૈતીક દાયિત્વ છે કે, આ અભાગી લોકોને નાગરિકતા પ્રદાન કરવું અને આના માટે સરકારે વિચારવું જોઈએ.
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ ૦૭મી જુલાઈ, ૧૯૪૭ના રોજ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ જેઓ ત્યાં રહેવા માંગતા નથી તો તેઓ નિ:શંદેહ ભારત આવી શકે છે. આ મામલે તેઓને નાગરિકતા અને રોજગાર આપીને સન્માનપુર્વક સુખી જીવન દેવું એ ભારત સરકારનું પ્રથમ કર્તવ્ય છે. શું કોંગ્રેસ ગાંધીજીના અને પોતાની જ પાર્ટીના વિચાર વિરૂધ્ધ વર્તી રહી છે. ગુજરાત અને દેશની જનતાના મનમાં કોંગ્રેસ સામે આક્રોશ છે કે, કોંગ્રેસ હંમેશા રાષ્ટ્રના અહિતના જ મુદ્દા ઉઠાવીને હિંસા ફેલાવીને અશાંતિ ઉભી કરવાના સતત પ્રયાસો કેમ કરે છે? એ પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકની ટીકા કરવાની હોય કે આંતકવાદીઓના સમર્થનમાં નિવેદન કરવાના હોય. કોંગ્રેસે પોતાના દેશ હિત અને દેશની એકતા વિરોધી વિચારોનું મુલ્યાંકન કરીને ચિંતન કરવું જોઈએ, તેમ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.