કેશ ડોલ્સ ઓછી ચૂકવાતી હોવાની અને નુકશાનીનો સર્વ યોગ્ય હિત ન કરાયાની ફરીયાદ મળતા હવે કોંગ્રેસ મેદાનમાં
કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનોની ટીમ આગામી દિવસોમાં બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્ત જિલ્લામાં રુબરુ જઇ પરિસ્થિતિનો તાગ મેળવશે અસરગ્રસ્તોને રુબરુ સાંભળશે જરુર પડયે કલેકટરને આવેદન પત્ર અપાશે.
વાવાઝોડા અને તેની અસરનાં કારણે જ્યાં અતિવૃષ્ટિ થઈ હતી તેવા પ્રભાવિત જીલ્લાઓના લોકો વચ્ચે કોંગ્રેસ પક્ષના આગેવાનો જશે અને લોક પ્રશ્નોને વાચા આપશે તેમજ પક્ષના કાર્યકર્તાઓ તરફથી શક્ય તે મદદ કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી થયા મુજબ બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં જગદીશભાઈ ઠાકોર, લાલજીભાઈ દેસાઈ તથા જીગ્નેશભાઈ મેવાણી, કચ્છ જીલ્લામાં લલિતભાઈ કગથરા, જાવેદભાઈ પીરઝાદા તથા નૌશાદભાઈ સોલંકી, જામનગર અને દ્વ્રારકા જીલ્લામાં અમરીશભાઈ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા લલિતભાઈ વસોયા, પોરબંદર જીલ્લામાં પરેશભાઈ ધાનાણી, ભીખુભાઈ વારોતરિયા તથા પાલભાઈ આંબલિયા. કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળશે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પુષ્કળ ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે કે,
તેઓને જે કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી છે અને ખરા અર્થમાં જેટલા દિવસો તેઓ પ્રભાવિત થયા હતા તેની પુરતી રકમ મળી રહી નથી., જે ખેડૂતોના વૃક્ષોને ખુબ મોટા પાયે નુકશાન થયેલું છે તે નુકશાનીની આકારણી કે વળતર હજુ સુધી યોગ્ય રીતે અપાયું નથી., ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વીજળી પુન:સ્થાપિત થઈ શકી નથી., પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અનેક ગામોમાં હજુ સુધી નિયમિત થઈ નથી., પશુપાલકો માટે ચરાણની ખુબ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે મફત ઘાસનું વિતરણ હજુ શરૂ કરવામાં આવેલું નથી., ગ્રામ્ય રસ્તાઓ અતિશય ખરાબ થયા છે તેને રીપેરીંગ કે વ્યવસ્થિત વાહનવ્યવહાર યોગ્ય કરવામાં આવ્યા નથી., કેટલાક વીજળીના થાંભલાઓ અને ફીડરો અતિશય નુકશાનીગ્રસ્ત થયા છે તેનું પુન: સ્થાપન થયું નથી., જે નાના વેપારીઓ, હાથલારી કે નાની દુકાનો ધરાવતા વેપારીઓને નુકશાન થયું છે તેમને વળતર આપવા માટે કોઈપણ ચકાસણી કે વળતરની રકમ આપવા માટેની વ્યવસ્થા થઈ નથી.,જે અતિવૃષ્ટિનાં કારણે ખેડૂતોના બિયારણને નુકશાન થયું છે તેમજ કેરી અને ખારેકના પાકને મોટાપાયે નુકશાન થયું છે તેનો કોઈ વ્યવસ્થિત સર્વે થયેલ નથી કે વળતર મળેલ નથી.
આવા અનેક પ્રશ્નોને રૂબરૂ સાંભળીને તંત્ર સુધી પહોંચાડવા માટે તેમજ સ્થાનિક કક્ષાએ સરકારી સહાયમાં તંત્રના સંકલનમાં જરૂર પડે ત્યાં કોંગ્રેસનો કાર્યકર મદદરૂપ બને તે માટે કોંગ્રેસ પક્ષના સીનીયર આગેવાનોની ટીમો મુલાકાત લેશે. મુલાકાત બાદ આ આગેવાનો જીલ્લા કક્ષાએ કલેકટર અથવા જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી સંપૂર્ણ અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજૂ કરશે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.