મહાપાલિકામાં ધમાલ મચાવી કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે: હકારાત્મક માનસિકતા કેળવી ‘પાણી પર્વ’માં જોડાવા અનુરોધ
એક તરફ આખું રાજકોટ દેશના હૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા થનગની રહ્યું છે ત્યારે શહેર કોંગ્રેસના નેતાઓ સારા કામમાં વિઘ્ન નાખવાની પોતાની માનસિકતા છતી કરી મહાપાલિકામાં ધમાલ અને તોડફોડ કરે છે.રાજકોટની શાંતિપ્રિય જનતાએ પણ આવી નકારાત્મકતને ફગાવી દીધી છે. મહાપાલિકામાં કાર્યક્રમના અનુસંધાને ચાલી રહેલી બેઠકમાં પહોંચી જઈ ધમાલ મચાવવાના કૃત્યને શહેરના મેયર ડો. જૈમન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે વખોડી કાઢયુ છે..તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ મોદી પહેલી વાર રાજકોટ આવી રહ્યા છે અને નર્મદાના નિરના વધામણાં કરવાના છે ત્યારે આ પાણી પર્વમાં જોડાવાને બદલે કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો કામમાં અડચણો ઉભી કરે છે.
તેમણે કહ્યું છે કે, નર્મદા નીરના આગમનથી આખું રાજકોટ ખુશ છે પણ ગણ્યાગાંઠ્યા હિતશત્રુઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે રાજકોટનું હિત જોખમાય એવા કાર્યક્રમો આપે છે.વડાપ્રધાનના આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અને અગત્યની બેઠક ચાલી રહી હોય ત્યારે ટપોરીઓની સ્ટાઈલથી અંદર ઘુસી ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રકારની માનસિકતાને જરા પણ ચલાવી નહીં લેવાય.
ડો. જૈમન ઉપાધ્યાય અને પુષ્કરભાઈએ જણાવ્યું છે કે, નરેન્દ્રભાઈ અને વિજયભાઈની લોકપ્રિયતાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે અને તેથી આવા ભાંગફોડના કાર્યક્રમો કરે છે..કોંગી નેતાઓએ વહીવટી તંત્રના કામમાં અડચણ ઉભી ન કરવી જોઈએ. જો આમ છતાં આવા ધમપછાડા ચાલુ રાખવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
રાજકોટ કોંગ્રેસના નેતાઓ કેવા સંસ્કાર ધરાવે છે એ રાજકોટની જનતા બરાબર જાણે છે.સારા કામમાં સો વિઘ્ન નાખવાની તેમની મનોવૃત્તિથી બધા વાકેફ છે તેથી આ પ્રકારે અડચણો ઉભી કરવાની તેમની મનશા ફળવાની નથી. તેમણે અંતમાં એમ પણ જણાવ્યું છે કે, કોંગ્રેસના નેતાઓએ રાજકોટના હિતમાં વિરોધના કાર્યક્રમો પડતા મૂકવા જોઈએ અને જો આમ નહીં થાય તો પ્રજા તેમને રાજકોટના વિરોધી તરીકે નવાજશે એટલું નિશ્ચિત છે.