તત્કાલ વિપક્ષી નેતાની નિમણુક નહીં કરાય તો રાજીનામું ધરી દઈશ: રામાણી
શહેર કોંગ્રેસમાં ભયંકર જુથવાદી અને આંતરીક અસંતોષ જેવી પરિસ્થિતિએ અજગર ભરડો લીધો છે. કોંગ્રેસની વર્તમાન સ્થિતિથી વ્યથિત થયેલા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નિતીન રામાણીએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર નિતીનભાઈ રામાણીએ પ્રદેશ કોંગ્રેસમાં પાઠેવલા પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેર કોંગ્રેસમાં જુથબંધી હદ બહાર વધી ચુકી છે. શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણુકને લઈ કોર્પોરેટરોમાં ભાગલે ભાગલા પડી ચુકયા છે. જેના કારણે કોર્પોરેશનમાં વિપક્ષ અત્યંત નબળો પડી રહ્યો છે. કોર્પોરેટરો નિષ્ક્રીય થઈ રહ્યા છે. વિપક્ષી નેતાની નિમણુકમાં ઢીલ થઈ રહી હોવાથી દિવસેને દિવસે કોંગ્રેસની હાલત સેનાપતિ વગરની સેના એટલે કે દિશાવિહિન થઈ ગઈ છે.
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચુંટણીમાં હું ભાજપને છોડી કોંગ્રેસની વિચારધારાને અનુસર્યો છું અને વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ભારે બહુમતીથી ચુંટાઈ આવ્યો છું આમ છતાં મારી સાથે ભેદભાવભર્યું વર્તન થઈ રહ્યું છે. મને વિકાસ કામોમાં પણ કોઈ સાથ દેતું નથી. શહેર કોંગ્રેસની આવી નબળી હાલતથી મારું હૃદય દ્રવી ઉઠયું છે. હું ભાર વ્યથિત છું કોંગ્રેસમાં અંદરો અંદર જ એટલા પ્રશ્ર્નો છે કે આ પ્રશ્ર્ન ઉકેલવામાં જ સમય જાય છે તો જનતાના કાર્યો કોંગ્રેસ કયારે કરી શકશે. વહેલી તકે આ બધાનો પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઈશ.
વહેલી તકે રાજકોટ શહેર કોંગ્રેસમાં જુથબંધીના વિવાદ ઉકેલવા અને વિપક્ષી નેતાની નિમણુક કરવામાં આવે તો સૌ એક જુથ બની શાસક પક્ષ સામે રાજકોટવાસીઓના પ્રશ્ર્ને લડત આપી શકે તેમ છે અને એક મજબુત વિપક્ષ તરીકે પ્રજાની પડખે અડિખમ ઉભો રહી શકે તેમ છે. જો મારા પ્રશ્ર્નને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને પ્રદેશ કક્ષાએથી ઢીલ રાખવામાં આવશે તો હું નાછુટકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઈશ.