બુધવારે કોંગ્રેસ હેડકવાર્ટરે ધારાસભ્ય-હોદ્દેદારોની બેઠક: વિરોધ પક્ષના નેતાનું નામ થશે જાહેર
કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા નકકી આવતા દિવસોમાં પક્ષની દિશા અને દશા નકકી કરવા જઈ રહી છે. આગામી તા.૩ના રોજ કોંગ્રેસના હેડ કવાર્ટર ખાતે ધારાસભ્યો અને હોદ્દેદારોની બેઠક મળવાની છે. જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ વિરોધ પક્ષના નેતા માટે પાટીદાર, દલિત અથવા ઓબીસી સમાજમાંથી આવતા નેતાનું નામ ચર્ચામાં છે. વિરોધ પક્ષના નેતાની જાહેરાત ૨૦૧૯ લોકસભાને ધ્યાને રાખીને કરવામાં આવશે. હાલ તો પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણી તેમજ વિરજી ઠુંમર ઉપરાંત ઓબીસી સમાજના કુંવરજી બાવળીયા, પુંજા વંશ, જવાહર ચાવડા, વિક્રમ માડમ અને અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એસટી સમાજમાંથી અશ્ર્વિન કોટવાલ અને મોહનસિંહ રાઠવાનું નામ પણ રેસમાં છે.
કોંગ્રેસ ચૂંટણીમાં પાટીદાર ફેકટર તેમજ દલિત અને ઓબીસી સમાજના પ્રભુત્વને ધ્યાને રાખી આ સમાજમાંથી આવતા આગેવાનોને યોગ્ય સ્થાન આપવા મથામણ કરી રહી છે. કોંગ્રેસની ગણતરી પ્રભુત્વ ધરાવતા સમાજના કોઈ પણ બાહુબલી નેતાને સુકાન સોંપવાની છે. અલબત હાલ આ મામલે હાઈ કમાન્ડ ફેંસલો કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.