કોંગ્રેસી નેતા અહેમદ પટેલના ચીફ એકાઉન્ટન્ટ એસએમ મોઈનના ઘરે દરોડાના રેલો
મધ્યપ્રદેશ-દિલ્હીમાં છેલ્લાં ૪૮ કલાકથી ચાલી રહેલી આવકવેરાની કાર્યવાહીથી રાજકીય ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. મધ્યપ્રદેશમાં દરોડા દરમિયાન ૨૮૧ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી તો હવે દિલ્હીમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલના ખાસ વ્યક્તિને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે. અહેમદ પટેલ સાથે જોડાયેલો કેસ હવાલા સાથે જોડાયેલો છે અને તેથી હવે તેમને ફરી ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
હકિકતે દિલ્હીમાં અહમદ પટેલના એકાઉન્ટન્ટ એસએમ મોઈનના ઘરે દરોડાની વાત મધ્યપ્રદેશથી શરૂ થાય છે. જ્યાં મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઠેકાણાંઓ પર દરોડા પડ્યા હતા. તેની સાથે સંકળાયેલા કેસમાં જ હવાલા દ્વારા દિલ્હીમાં રૂ. ૨૦ કરોડ મોકલવામાં આવ્યા હતા. વધુ તપાસ કરતાં આઈટી વિભાગને ખબર પડી કે આ પૈસા દિલ્હી કોંગ્રેસ ઓફિસમાં રિસીવ કરવામાં આવ્યા હતા, જે એસએમ મોઈને રિસીવ કર્યા હતા. મોઈન અહેમદ પટેલના ચીફ અકાઉન્ટન્ટ હોવાનું સામે આવ્યું છે. અહેમદ પટેલનું નામ આ કેસમાં ત્યારે આવ્યું જ્યારે આઈટી વિભાગને એક તસવીર મળી અને તેમાં અહમદ પટેલ મોઈનની સાથે હતા.
આઈટી વિભાગે જણાવ્યું છેકે, કેશનો અમુક હિસ્સો દિલ્હીમાં હાજર એક મોટા રાજકીય પક્ષની ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેમાં હવાલા દ્વારા રૂપિયા ૨૦ કરોડ પાર્ટીના એક મોટા નેતાને આપવામાં આવ્યા છે. આ નેતા તુગલક રોડ પર રહે છે. આ સમગ્ર કેસમાં આવકવેરા વિભાગે દિલ્હી, એનસીઆર, ભોપાલ, ઈન્દોર અને ગોવામાં દરોડા પાડ્યા છે. માનવામાં આવે છે કે, અંદાજે ૩૦૦ અધિકારીઓએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી હતી અને ૫૨ ઠેકાણાંઓ પર રેડ પાડિ હતી.
આ મામલે વિવાદ વધતા અહેમદ પટેલના નજીકના સૂત્રો દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહેમદ પટેલ પાર્ટીના ખજાનચી છે અને જેમના ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે તે એસએમ મોઈન તેમના ચીફ એકાઉન્ટન્ટ છે. સોમવારે તેઓ આખો દિવસ ઓફિસ આવ્યા ન હતા. જણાવવામાં આવ્યું હતું કે તે બીમાર છે. અહેમદ પટેલ સાંજે તેમના ઘરે ગયા ત્યારે તેમને દરોડા વિશેની કોઈ માહિતી ન હતી અને તેમને મોઈનના ઘરે જતા કોઈએ રોક્યા પણ ન હતા.