લોકોની સમસ્યા ઉજાગર કરી સરકાર સમક્ષ મુકાશે: પ્રદેશ કોંગ્રેસ
ગુજરાતમાં કોરોના વાઈરસના સંક્રમણને લઈને ગંભીર બની રહેલી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, પોતાના પ્રશ્ર્નોને કયાં રજુ કરવા તેવી દ્વિધામાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા વેબ એપ્લિકેશન ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈન લોન્ચ કરી નવી પહેલ કરવામાં આવી હતી. આ હેલ્પલાઈન ૨૪ કલાક ચાલુ રહેશે.
આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ-સહકાર આપી લોકોને સેવા, સમર્પણ, બલિદાનની ભાવનાથી રાહત કાર્યો કરી મદદ કરી પરંતુ સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે લોકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સરકારની ઈચ્છા શકિત અને વિભાગોની અસક્રિયતા જોવા મળી રહી છે ત્યારે આવા કપરા સંજોગોમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ માધ્યમથી વેબ એપ્લિકેશન ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવે છે.
રાજયનો નાગરિક પોતાની સમસ્યા, પ્રશ્ર્નોની રજુઆત આ વેબ એપ્લિકેશન ઈ-જનમિત્ર કોવિડ-૧૯ હેલ્પલાઈનના માધ્યમથી કરશે. તેના નિવારણ માટે કોંગ્રેસ પક્ષ તમામ બનતી મદદ કરવાનો પ્રયત્ન કરશે. આ વેબ એપ ઓટો ચેટ બોટ સાથે ૨૪ કલાક કાર્યરત રહેશે જેમાં તમે અન્ય જિલ્લામાં જવા માંગતા હોવ, અન્ય રાજયમાં જવા માંગતા હોવ, રાશનનો અભાવ હોય, કોરોનાના લક્ષણો હોય, દવાની જરૂરીયાત હોય, ખેતીને લગતી ખેડુતોને કોઈ સમસ્યા હોય, ધંધાકીય-નાણાકીય સમસ્યા હોય, સરકારી સુવિધા-વિભાગને સંબંધિત રજુઆત હોય તે આ કોવિડ-૧૯ હેલ્પલાઈન ઈ-જનમિત્રના માધ્યમથી કોંગ્રેસ પક્ષને માહિતી પહોંચશે અને પક્ષના કંટ્રોલ રૂમમાં આ માહિતી એકત્રિત કરવામાં આવશે. તેને સમસ્યાવાર, જિલ્લા-શહેર પ્રમાણે, વિભાગ પ્રમાણે જુદી પાડીને જિલ્લાકક્ષાના પ્રશ્ર્નો અને રજુઆતો જીલ્લા કોંગ્રેસનાં કંટ્રોલ રૂમમાં મોકલી આપવામાં આવશે જયાંથી જિલ્લાના આગેવાનો વહિવટી તંત્ર સાથે સંકલન કરીને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરશે. રાજય અને કેન્દ્ર સરકાર કક્ષાના પ્રશ્ર્નો-નીતિ વિષયક નિર્ણયો અંતર્ગત રજુઆતો હશે તેને પ્રદેશ કોંગ્રેસનાં કંટ્રોલ રૂમ દ્વારા રાજય અને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.