કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદીન સોઝે સરદાર પટેલની અખંડિતતા અને દેશભક્તિ ઉપર સવાલો ઊભો કરીને હદ કરી નાંખી છે
સાર્વભૌમ રાષ્ટ્રનું નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ પર કોંગ્રેસ નેતા સૈકુદીન સોઝે કરેલ અશોભનીય નિવેદન પર સમગ્ર ગુજરાત રાજ્યમાં બધાં જ જીલ્લામાં ધરણાં, દેખાવો અને પુતળા દહન દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતાં.ડભોઈ ખાતે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાની કોંગ્રેસની વેરઝેરની ભાષા છે, સર્જીકલ સ્ટ્રાઈક સમયએ કોંગ્રેસની ભાષાએ પાકિસ્તાનની ભાષા હતી. હવે, કાશ્મીરના મુદ્દે કોંગ્રેસ લશ્કર-એ-તોયબાની ભાષા બોલે છે.
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદીન સોઝે સરદાર પટેલ સાહેબની અખંડિતતા અને દેશભક્તિ ઉપર સવાલો ઊભો કરીને હદ કરી નાંખી છે. આ સૈફુદીન સોઝે કાશ્મીર મુદ્દે હજુ પણ જવાહરલાલ નહેરૂને છાવરવાનું કામ કર્યું છે અને દોષનો ટોપલો સરદાર સાહેબ ઉપર ઢોળવાનો બાલિસ પ્રયાસ કર્યો છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા મુકવાની કોંગ્રેસની યુ.પી.એ. સરકારે ૧૦ વર્ષ સુધી મંજૂરી ન હતી આપી તે મંજૂરી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યાં પછી માત્ર ૧૭ દિવસમાં જ મંજૂરી આપી દિધી હતી. નર્મદા ડેમના દરવાજાના લોકાર્પણનું કાર્ય ડભોઈ ખાતે પૂર્ણ થયું હતું. ત્યારે નર્મદા વિરોધી સૈફુદિન સોઝે કોર્ટમાં એફિડેવીટ કરીને નર્મદા યોજનાને અટકાવવા માટેનું કામ કર્યું હતું. દેશના ૫૬૫ રજવાડાંઓને એક કરીને દેશની અખંડિતતાનું ઐતિહાસિક કાર્ય કરેલ છે તેવા સરદાર સાહેબનું નામ આજે સૈફુદીન સોઝે કાશ્મીર સાથે જોડીને હદની હદ કરી નાંખી છે.
પંડ્યાએ જણાવ્યું હતું કે, એક એક ગુજરાતીનાં હદયમાં સરદાર પટેલ વિષે કોંગ્રેસના નેતાએ કરેલ આવા નિમ્નકક્ષાના વિચારો સાંભળીને આઘાત લાગ્યો છે.
સૈફુદીન સોઝે કરેલ નિવેદન સામે કોંગ્રેસના નેતાઓ જનતાની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના નેતા દ્વારા સરદાર પટેલનું ઘોર અપમાન થયું હોવા છતાં પણ કોંગ્રેસ કેમ ચુપ બેઠી છે તે સમજાતું નથી ? તેમજ ગાંધી પરિવારને છાવરવામાં અને હોદ્દાની બીકમાં સરદાર પટેલ સાહેબના અપમાનની સામે ગુજરાત કોંગ્રેસ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી.