ધોરાજીમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં છૂટ, અમને કેમ નહિ ? : કોંગી અગ્રણીઓની ચૂંટણી અધિકારીને રજુઆત
રાહુલ ગાંધીના કાર્યક્રમ પૂર્વે ઝંડા-બેનર હટાવી દેવાતા કોંગ્રેસ લાલઘૂમ થઈ હતી. ધોરાજીમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં છૂટ, અમને કેમ નહિ ? તેવા સવાલ સાથે કોંગી અગ્રણીઓએ આજે ચૂંટણી અધિકારીને રજુઆત કરી હતી.
રાજકોટ જિલ્લામાં ભાજપ- કોંગ્રેસ દ્વારા પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બન્ને મુખ્ય પક્ષ દ્વારા સૌરાષ્ટ્રમાં સ્ટાર પ્રચારકોના ઘાડેધાડા ઉતારવામાં આવી રહ્યા છે. તેવામાં રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલ બેનર અને ઝંડા ચૂંટણી તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવતા કોંગ્રેસ લાલઘૂમ થઈ ગઈ છે.
આજે કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી અધિકારીને આ અંગે રજુઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી રાજકોટ પધારી રહ્યા છે. તેમજ લાલ બહાદુર શાસ્ત્રી મેદાન ખાતે ચૂંટણી લક્ષી જાહેર સભાનું સંબોધન કરવાના હોય જેની મંજૂરી લેવામાં આવી છે. ત્યારે ઇલેક્શન કમિશન ઇન્ડિયાના 437/6/2022 તા.11/10/2022ના અન્વયે અમોને બેનર, કટ આઉટ, ઝંડા, ધજા, પતાકા સહિતનું સાહિત્ય લગાડવામાં વિક્ષેપ તેમજ તમામ ચૂંટણી સાહિત્ય લગેવલ હતું તે કબ્જે કરવામાં આવેલ છે.
વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે ધોરાજીમાં ગઈકાલે વડાપ્રધાન મોદીની સભા હતી. જેમાં પ્રચાર સાહિત્ય તેમને તેમ જ સ્થિતિમાં હોય, એકને ગોળ એકને ખોળની નીતિ શા માટે ? આવી રાજકીય કિન્નાખોરી શા માટે ? આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.