સુપ્રીમ કોર્ટનાં આજે ફલોર ટેસ્ટ યોજવાના હુકમ બાદ સ્પીકરે કોંગ્રેસના બળવાખોર ૧૬ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા ; આ રાજીનામા બાદ મધ્યપ્રદેશ વિધાનસભામાં કમલનાથ સરકાર લઘુમતિમાં આવી
જયોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારનાં છ મંત્રીઓ સહિત ૨૨ ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામા આપ્યા હતા જેથી કમલનાથ સરકાર લઘુમતિમાં આવી જવા પામી હતી સ્પીકર એન.પી. પ્રજાપતિએ છ મંત્રીઓનાં રાજીનામા સ્વીકાર્યા બાદ બાકીના ૧૬ ધારાસભ્યો રાજીનામા રૂબરૂ દેવા આવે નો આગ્રહ રાખ્યો હતો જેને લઈને રાજકીય વિવાદ ઉભો થયો હતો. આ રાજકીય વિવાદ વચ્ચે રાજયપાલે સ્પીકરને વિધાનસભામાં ફલોર ટેસ્ટ કરવાનો બે વખત હુકમ કર્યો હતો. પરંતુ સ્પીકરે ઈન્કાર કરી દેતા ભાજપે આ મુદે સુપ્રિમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા હતા ગઈકાલે સુપ્રીમ કોર્ટે સ્પીકરને આજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિધાનસભાની ફલોરટેસ્ટ યોજવાનો હુકમ કર્યો હતો.જે બાદ સ્પીકરે બળવાખોર ૧૬ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેતા મધ્યપ્રદેશમાં ૧૫ માસ જૂની કોંગ્રેસની‘કમલ’ સરકારની વિદાય નિશ્ર્ચિત બની છે. પરંતુ, હવે મધ્યપ્રદેશમાં ભાજપનું ‘કમળ’ ખીલશે? તે મોટો પ્રશ્ર્ન ઉપસ્થિતક થવા પામ્યો છે.
મધ્યપ્રદેશમાં છેલ્લા દશેક દિવસથી રાજકીય વિવાદ પર ગઈકાલ સાંજે પડદો પડી જવા પામ્યો હતો. જયારે સુપ્રિમ કોર્ટની જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બંધારણીય બેંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિધાનસભામાં ફલોરટેસ્ટ યોજીને કમલનાથ સરકારને બહુમતિ પૂરવાર કરવા જણાવવા સ્પીકર એન.પી. પ્રજાપતિને આદેશ આપ્યો હતો. ઉપરાંત બેંચે કોંગ્રેસના રાજીનામા આપનારા બળવાખોર ૧૬ ધારાસભ્યોના રાજીનામા સ્પીકર દ્વારા સ્વીકાર્યા ન હોય તેઓ વિધાનસભાની ફલોર ટેસ્ટની કાર્યવાહીમાં ભાગ લેવા માંગતા હોય તો તેમને સુરક્ષા પૂરી પાડવા કર્ણાયક અને મધ્યપ્રદેશના રાજયના પોલીસ વડાઓને આદેશો કર્યા હતા. જેથી સાથે સાંજના વિધાનસભા ખાસ સત્રમાં માત્ર સરકારની બહુમતી પૂરવાર કરવાની કાર્યવાહી કરવા અને ધારાસભ્યોને શાંતિપૂર્વક હાથ ઉંચા કરીને પોતાનો મત આપવા પણ હુકમ કર્યો હતો. સુપ્રિમકોર્ટના આજે પાંચ વાગ્યા સુધીમાં વિધાનસભામાં ફલોર ટેસ્ટ કરવાના આદેશ બાદ મધ્યપ્રદેશના સ્પીકર એન.પી. પ્રજાપતિએ મોડી સાંજે કોંગ્રેસમાંથી બળવો કરનારા બાકી રહેલા ૧૬ ધારાસભ્યોનાં રાજીનામાનો સ્વીકાર કરી લેવાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસની કમલનાથ સરકાર સામે બળવો કરનારા છ મંત્રીઓ સહિત ૨૨ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાય જતા હવે મધ્યપ્રદેશ વિધાનસભાનું સંખ્યાબળ ૨૩૦માંથી ઘટીને ૨૦૬ રહી જવા પામ્યું છે. બે બેઠકો પહેલેથી ધારાસભ્યોના અવસાનના કારણે ખાલી પડેલી છે. હાલની સ્થિતિમાં વિધાનસભામાં બહુમતિ પૂરવાર કરવા માટે ૧૦૪ ધારાસભ્યોની જરૂરત છે. ભાજપ પાસે પહેલેથી ૧૦૭ ધારાસભ્યો છે. જેથી કમલનાથ સરકાર વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવામાં નિષ્ફળ જશે તેવું રાજકીય પંડીતોનું અનુમાન છે.
કોંગ્રેસ પાસે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ ૯૨ ધારાસભ્યો જયારે કમલનાથ સરકારના ટેકામાં રહેલા બે બસપાના એક સપાનાને ચાર અપક્ષોને ગણવામાં આવે તો કોંગ્રેસ પાસે ૯૯ ધારાસભ્યોનું સંખ્યાબળ જ રહેવા પામ્યું છે. જેથી આ સ્થિતિમાં કમલનાથ સરકાર સ્પષ્ટ પણે લઘુમતિમાં આવી ગઈ હોવાનું મનાય રહ્યું છે. જેથી મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફલોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી દેશે તેવું મનાય રહ્યું છે. જો કે, કમલનાથ રાજીનામું આપી દે પછી મધ્યપ્રદેશમાં ભાજપનું કમળ ફરીથી ખીલશે? તે પણ એક મહત્વપૂર્ણ બાબત રાજકીય પંડિતોમા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
- ભાજપે તેના ધારાસભ્યોને વ્હીપ આપ્યો શિવરાજે ધારાસભ્યોની સુરક્ષાની માંગ કરી
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે મધ્યપ્રદેશ વિધાનસભામાં ફલોર ટેસ્ટ યોજાનારી છે ભૂતકાળમા કોંગ્રેસે ભાજપના અમુક ધારાસભ્યો ‘કમલ’નાથ સરકારને ટેકો આપશે નો દાવો કર્યો હતો. જેથી ભાજપે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવા તેમને વ્હીપ આપીને કમલનાથ સરકારની વિરૂધ્ધમાં મતદાન કરવા આદેશ કર્યો છે. જયારે કોંગ્રેસ ભાજપના ધારાસભ્યો સાથે હિંસા ન કરે કે ઉઠાવી ન જાય તે માટે શિવરાજસિંહ ચૌહાણે રાજય પોલીસ વડાને પત્ર લખીને ભાજપન ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવા માંગ કરી છે.