મગફળીમાં આગ લગાડવાના તેમજ બારદાનોમાં કાંકરા ભરી દેવાના ગુનામાં ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એવી મુખ્યમંત્રીની ખાતરી પર ભરોસો રાખી કોંગ્રેસ વિપક્ષી ગરિમા જાળવે: રાજુભાઇ ધ્રુવ
મગફળીકાંડના નામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારને બદનામ કરવાના કોંગ્રેસના પ્રયાસો સામે ભાજપ અગ્રણી અને પક્ષના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજ્યની પ્રજાને ગુમરાહ કરવાના નાટકો બંધ કરવા અને લોકહિતના રચનાત્મક કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીને જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ટેકાના ભાવે લાખો ટન મગફળી ખરીદ કરીને ખેડૂતોને રાહત આપવાના રાજ્ય સરકારના હિંમતભર્યા અને ઐતિહાસિક પગલાને બિરદાવવાને બદલે કૌભાંડ ગણાવનાર કોંગ્રેસ વાસ્તવમાં ગુજરાતની પ્રજાનો દ્રોહ કરી રહી છે.
ખેડૂતોને સાચા અર્થમાં રાહત આપતા સરકારના પગલાને કોંગ્રેસે રચનાત્મક ટેકો આપ્યો હોત તો વિપક્ષની ગરિમા વધી હોત. વિરોધ પક્ષ છે એનો અર્થ એવો નથી થતો કે, સરકારના સારાં પગલાંનો પણ વિરોધ જ કરવો; એ તો પ્રજાને ગેરમાર્ગે દોરી ગણાય. પ્રજા ગુજરાતના વિપક્ષી નેતાપદને છાજે એવું વર્તન ઈચ્છી રહી છે ત્યારે પરેશભાઈ ધાનાણી બેફામ અને બેજવાબદાર આક્ષેપબાજી કરી રહ્યા છે.
કોંગ્રેસની વિધ્વંસક નીતિઓ પર આકરાં પ્રહારો કરતાં રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી મગફળી કૌભાંડના નામે રાજકોટ અને અન્યત્ર ધરણા અને ઉપવાસના જે કાર્યક્રમો યોજી રહ્યા છે એ નર્યું ડીંડક છે અને ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરવાના કાવતરાથી વિશેષ બીજું કશું નથી. ખેડૂતોને જ્યારે મગફળીના બજાર ભાવ માત્ર ૬૦૦થી ૬૫૦ મળતા હતા એવા સમયે વિજયભાઈ રૂપાણીની સરકારે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૯૦૦ના ભાવે આઠ લાખ ટન મગફળી ખરીદીને ખેડૂતોને મોટી રાહત આપી હતી; આ ઐતિહાસિક પગલાની પ્રશંસા કરવાને બદલે કોંગ્રેસ કૌભાંડ ગણાવી રહી છે તે બાબત અત્યંત બેજવાબદાર અને કમનસીબ છે. આઝાદી આવી અને ગુજરાત નીરચના થઇ ત્યારથી અત્યાર સુધી કોઈ રાજ્ય સરકાર આવી રીતે ખેડૂતોની વહારે આવી નથી. ગુજરાતમાં પચાસ વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે ખેડૂતોને આટલી મોટી રાહત ક્યારેય આપી છે ખરી? એવો સવાલ કરીને સાચી વાત સ્વીકારવા ની ત્રેવડ હોય તો પરેશભાઈ ધાનાણી જવાબ આપે. તેમ ધ્રુવે જણાવ્યું છે.
કોંગ્રેસે તો હંમેશા પ્રજા સાથે છળ-કપટ જ આચર્યા છે અને સાચા અર્થમાં કદીયે ખેડૂતોની પડખે ઊભી રહી નથી. ખેડૂતોને રાહત આપવા માટે ભવિષ્યમાં પણ ભાજપની રાજ્ય સરકાર ગમે તેટલી નુકસાની ઉઠાવવા પણ હરહંમેશ તૈયાર રહેશે. ભાજપ ખરા અર્થમાં ખેડૂતોનો ભેરુ રહ્યો છે અને હંમેશા રહેશે. કોંગ્રેસનો કોઈ નેતા ક્યારેય ખેડૂતોના આંસુ લૂછી શક્યો નથી અને હંમેશા મગરના આંસુ જ સાર્યા છે. ભાજપની રૂપાણી સરકારે ગત વર્ષે આઠ લાખ સાડત્રીસ હજાર ટન મગફળીની સાથે ચણા, તુવેર ,અડદ તેમજ સરસવ-રાયડાની પણ આશરે એક હજાર કરોડ રૂપિયા ની મોટા પાયે ખરીદી કરી હતી.
લાખો ટન મગફળી અને બીજી ખેત પેદાશોનો સંગ્રહ ક્યાં કરવો એ પણ મોટી સમસ્યા હતી છતાં, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જબરદસ્ત હિંમત દાખવી કરોડોના ખર્ચે ગોદામો રાખીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપ્યા એ દીવા જેવી હકીકત કોંગ્રેસને દેખાતી નથી તેનું કારણ એ છે કે, કોંગ્રેસ અને તેના નેતાઓ ખેડૂતોને ગુમરાહ કરીને અને ભાજપને વગોવીને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવામાં જ વ્યસ્ત છે. તેમ ભાજપ પ્રવક્તાના નિવેદનમાં જણાવાયું છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ હજાર કરોડ રૂપિયાની મગફળી ખરીદી અને તેના નાણાં જે તે ખેડૂતને સીધા જ મળી જાય એવી ચુસ્ત સીસ્ટમ ગોઠવી હતી એટલે, મગફળીની ખરીદીમાં કૌભાંડ થયાના કોંગ્રેસના આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને બેજવાબદાર છે.
મગફળીના ગોદામોમાં આગ લાગવાની ઘટનાઓની રાજ્ય સરકાર સીઆઈડી તપાસ કરાવી રહી છે અને તેમાં દોષિત જણાનાર ગમે તેવા ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એ બાબતમાં સરકાર અત્યંત મક્કમ છે અને કાયદાને કાયદાનું કામ કરવા દેવા માટે કૃત્ત-નિશ્ચયી છે. આ સંજોગોમાં કોંગ્રેસ રાજ્ય સરકાર સામે બેબુનિયાદ અને વાહિયાત આક્ષેપો કરે એ કોઈ રીતે વાજબી નથી.
નિવેદનમાં જણાવાયું છે કે, મગફળીના ગોદામોમાં આગ અને બારદાનોમાં રેતી, કાંકરા ભરી ગેરરીતિ આચરવાના ગુનાઓમાં ઊંડી તપાસના આદેશો સરકારે આપ્યા છે. સરકારે તપાસનીશ અધિકારીઓને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે તપાસ કરીને જવાબદારોને સખ્ત નશ્યતે પહોંચાડવા માટે છૂટ્ટો દોર આપ્યો છે. આ હકીકત દર્શાવે છે કે, સરકાર સામે થઇ રહેલા આક્ષેપો પાયા વિનાના અને બદઈરાદાયુક્ત છે. તેમ નિવેદનના અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.