જેડીયુંના નીતીશ કુમાર અને તેજસ્વીને વિપક્ષ એકતા મિશનનું સુકાન સોંપાયું, કોંગ્રેસ, સપા અને આપ સાથે સફળ બેઠક બાદ હવે ઉદ્ધવ, ડીએમકે, બીજેડી, બીઆરએસ અને વાયએસઆરસીપીનો સંપર્ક કરાશે
ભાજપના વિજયરથને રોકવા વિભિન્ન વિચારધારા સાથે સમાધાન કરવા કોંગ્રેસ તૈયાર છે એક તરફ ભાજપ 400 બેઠકોના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે જેડીયુંના નીતીશ કુમાર અને તેજસ્વીને વિપક્ષ એકતા મિશનનું સુકાન સોંપાયું છે.તેઓએ કોંગ્રેસ, સપા અને આપ સાથે સફળ બેઠક કર્યા બાદ હવે ઉદ્ધવ, ડીએમકે, બીજેડી, બીઆરએસ અને વાયએસઆરસીપીનો સંપર્ક કરશે.
બિહારના સીએમ અને જેડી(યુ)ના નેતા નીતિશ કુમાર અને તેમના નાયબ, આરજેડીના તેજસ્વી યાદવે બુધવારે કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ભાજપ સામે એકજૂથ લડત આપવા માટે વધુમાં વધુ પક્ષોને વિપક્ષની છત્રછાયા હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં, નીતીશ અને તેજસ્વી દિલ્હીના સીએમ અને આપના વડા અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.રાહુલે પાછળથી કહ્યું, “વિચારધારાની આ લડાઈમાં, આજે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. સાથે ઉભા રહીને સાથે મળીને લડીશું.
ખડગેએ અગાઉ ઉદ્ધવ ઠાકરે અને ડીએમકેના એમકે સ્ટાલિન સાથે વાત કરી હતી અને ટૂંક સમયમાં પાર્ટીના વડાઓની બેઠક બોલાવવામાં આવે તેવી શક્યતા છે. જેમાં મુકુલ વાસનિક, સલમાન ખુર્શીદ, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), મનોજ ઝા (આરજેડી) અને રાજીવ રંજન સિંહ અને સંજય ઝા (જેડીયુ) પણ હાજર હતા.
વિપક્ષી એકતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે ખડગે પ્રાદેશિક નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને ટૂંક સમયમાં પાર્ટીના વડાઓની બેઠક બોલાવવામાં આવે તેવી શક્યતા છે. તેમણે અગાઉ કુમાર, ઉદ્ધવ ઠાકરે અને એમકે સ્ટાલિન સાથે વાત કરી હતી કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી શિબિર સંભવિત તમામ પક્ષોનો સંપર્ક કરશે, જેમાં બીજેડી, બીઆરએસ અને વાયએસઆરસીપી સામેલ હશે.
બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “અમે અહીં ઐતિહાસિક બેઠક યોજી હતી. ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને અમે નક્કી કર્યું કે અમે તમામ પક્ષોને એક કરીશું અને આગામી ચૂંટણી એકજૂથ થઈને લડીશું. અમે આ નિર્ણય લીધો છે અને અમે બધા આ માટે કામ કરીશું.
એક છત્ર હેઠળ આવતા પક્ષોની સંખ્યા વિશે પૂછવામાં આવતા રાહુલે કહ્યું, “આ એક પ્રક્રિયા છે અને અમે દેશ માટે વિપક્ષનું વિઝન વિકસાવીશું, અને તે તમામ પક્ષો જે અમારી સાથે આવશે, અમે સાથે મળીને ચાલી રહેલી વૈચારિક લડાઈ લડીશું.
થોડા મહિના પહેલા સુધી ભાજપના સાથી રહેલા બિહારના સીએમએ કહ્યું હતું કે, “અમે દેશમાં વધુને વધુ પક્ષોને એક કરવાના તમામ પ્રયાસો કરીશું. અમે તમામ પ્રયાસો કરીશું, સાથે બેસીશું અને એક થઈને કામ કરીશું, આ નિર્ણય લેવામાં આવ્યો છે.ખડગેએ કહ્યું કે વિપક્ષો સાથે મળીને લોકશાહી અને બંધારણને બચાવવા માટે લડશે.
કેજરીવાલે તમામ વિરોધ પક્ષોને એકસાથે લાવવાના કુમારના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમનો “સંપૂર્ણ ટેકો” આપ્યો. મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબમાં,આપના વડાએ કહ્યું, “નીતીશ જી આગળ આવ્યા છે અને વિપક્ષને એક કરવાના પ્રયાસો કરવા માટે પહેલું પગલું ભર્યું છે. અમે સંપૂર્ણપણે તેમની સાથે છીએ.
કેટલાક વિપક્ષી પક્ષો વચ્ચેના મતભેદો વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “આ સમયે, દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછી દેશની કેન્દ્રમાં કદાચ આ સૌથી ભ્રષ્ટ સરકાર છે. સામાન્ય માણસ માટે ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે. તેથી, કેન્દ્રમાં સરકાર બદલવા માટે સમગ્ર વિપક્ષ અને દેશ એક સાથે આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રાષ્ટ્રીય દરજ્જો ગુમાવી બેસેલી પાર્ટી માટે વિપક્ષ એકતા મિશન આશીર્વાદ સમાન?
ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ , નેશનલ કોંગ્રેસ પાર્ટી અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખેંચી લીધો છે. દેશભરમાં આ ત્રણેય પાર્ટીનો વોટ શેર ઘટીને 6 ટકાથી ઓછો થઈ ગયો છે. આ પહેલા બસપા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે આ પાર્ટી માટે વિપક્ષમાં જોડાઈ જવું જ ફાયદામંદ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.