ભાજપના ઉમેદવારોની બેઠકમાં આગેવાનોએ આપ્યું માર્ગદર્શન
આ વખતની મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી તેમ ભાજપના ઉમેદવારોની બેઠકમાં ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું. આગામી તા.21 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાય અને કોંગ્રેસ મુકત રાજકોટ બને તે માટે શહેર ભાજપની ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતા અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, બિનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખભાઇ સાગઠીયા, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ઉદય કાનગડ, રાજુભાઇ બોરીયા, કશ્યપ શુકલ, ડો. જૈમન ઉપાધ્યાય સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહેરના રાણીયાવાડી ખાતે બેઠક યોજાઇ હતી. જેનું સંચાલન મહામંત્રી જીતુભાઇ કોઠારીએ કર્યુ હતુ. આભાર વિધી કિશોરભાઇ રાઠોડે કરી હતી.
આ બેઠકમાં ધનસુખ ભંડેરી, નિતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, સહીતના આગેવાનોએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ ચુંટણીમાં કોંગ્રેસ કયાય ચિત્રમાં નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેન્દ્ર રાજય અને કોર્પોરેશન દ્વારા થયેલ વિકાસ કાર્યો ઘર ઘર સુધી વાત પહોંચાડી વિકાસના નામે મત મેળવશે. આજથી વોર્ડમાં પ્રસાર પ્રચાર લોક સંપર્ક, જુથ બેઠકો સહીતની ચૂંટણીથી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. તેમ અગ્રણીઓએ જણાવ્યુ હતુ આ બેઠકમાં ઉમેદવારો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.