કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીની બેઠક બાદ સીઈસીની બેઠક મળશે અમિત ચાવડા અને પરેશ ધાનાણીના દિલ્હીમાં ધામા

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ગુરુવારના રોજ ચુંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિઘ્ધ થવાનું છે ત્યારે ૨૬ પૈકી ૪ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા અગાઉથી જ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. રાજયની બાકી રહેતી ૨૨ બેઠકો માટે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આજે દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીની બેઠક બાદ સીઈસીની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામ અંગે વિસ્તૃત ચર્ચા બાદ નામની જાહેરાત કરવામાં આવશે.

લોકસભાની ચુંટણીની તારીખોના એલાન પૂર્વે જ કોંગ્રેસે ગુજરાતની અલગ-અલગ ૪ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. દરમિયાન ૨૨ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈ પક્ષમાં કેટલાક આંતરીક વિખવાદો ચાલી રહ્યા છે. ૬ બેઠકોમાં કોઈપણ જાતનો વિવાદ નથી. આ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાય તેવું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાજપે ૨૬ પૈકી ૧૬ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ સામાપક્ષે કોંગ્રેસ સમીકરણો અને ભાજપના ઉમેદવારને ટકકર આપી શકે તેવા ચહેરો ફીટ બેસતો ન હોવાના કારણે ઉમેદવારની જાહેરાત કરવાની પ્રક્રિયા સતત પાછી ઠેલી રહી છે.આજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે જેમાં ભાગ લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી દિલ્હી પહોંચી ગયા છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠક બાદ સીઈસીની બેઠક મળશે જેમાં ગુજરાતની બાકી રહેતી ૨૨ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે વિસ્તૃત ચર્ચા બાદ નામની ઘોષણા કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.