એક તરફ સિનિયોરીટી બીજી તરફ લડાયક નેતા
કુંવરજી બાવળીયા અને વિક્રમ માડમે દાવેદારી નોંધાવતા ખેંચતાણ સપાટીએ આવી
આજે અશોક ગેહલોત વિપક્ષી નેતા મામલે ધારાસભ્યો સાથે બેઠક યોજી ચિત્ર સ્પષ્ટ કરશે
કોંગ્રેસમાં વિપક્ષી નેતાના પદ માટે ખેંચતાણ જામી છે. કુંવરજીભાઈ બાવળીયા અને વિક્રમ માડમે વિરોધ પક્ષના નેતાના પદ માટે દાવો કરતા ડખ્ખો વધુ વકર્યો છે. કોંગ્રેસમાં વિપક્ષી નેતા નકકી કરવા માટે નિરીક્ષકો અશોક ગેહલોત અને પૂર્વ મંત્રી જીતેન્દ્રસિંઘની આગેવાનીમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે બેઠક મળી હતી. જો કે, તે પહેલા જ કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતાના પદ માટે વરિષ્ઠ આગેવાનો વચ્ચે મતભેદ જોવા મળ્યા છે.
કુંવરજીભાઈ બાવળીયા અને વિક્રમ માડમે સિનિયોરીટીના આધારે દાવેદારી નોંધાવતા વિરોધ પક્ષના નેતા માટેનું કોકડું ગુંજવાયું છે. અલબત હાલ યુવા નેતા પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા માટે લાગેલી હોડમાં સૌથી આગળ જણાય રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે યોજાયેલી બેઠકમાં મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને વિપક્ષી નેતા નકકી કરવાની સત્તા હોવાનો પ્રસ્તાવ મુકયો હતો. આ ઠરાવને ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું. બેઠક બાદ અશોક ગેહલોતે ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી વિપક્ષી નેતાના નામ અંગે અભિપ્રાય મેળવ્યા હતા.
આ બેઠકનો દૌર આજે પણ ચાલી રહ્યો છે.
વિપક્ષી નેતા પદ માટે પડાપડી થઈ છે. સિનિયોરીટીના આધારે આ પદ સોંપવામાં આવે તેવી માંગ કુંવરજીભાઈ બાવળીયા અને વિક્રમ માંડમ કરી ર્હયાં છે. અલબત સૌરાષ્ટ્રના આગેવાન યુવાન નેતા પરેશ ધાનાણી આ પદ માટે મોખરે છે. વિપક્ષી નેતા ઉપરાંત ઉપનેતા, દંડક માટે પણ ધારાસભ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
જો વિપક્ષી નેતા પદ પાટીદાર સમાજના નેતાને મળે તો ઉપનેતાનું પદ આદિવાસી અથવા ઓબીસી સમાજના નેતાને અપાય તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો સાથે આ મામલે ચર્ચા થઈ રહી છે. બે સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળીયા, વિરજી ઠુંમ્મર ઉપરાંત બ્રિજેશ મેરજા પણ વિરોધ પક્ષના નેતા બનવા તૈયાર છે. જો કે, મવડી મંડળે પરેશ ધાનાણીનું નામ નકકી કર્યું હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.