ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સી.વી.એલ. નરસિમ્હાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી: કોંગ્રેસ પર આકરા પ્રહારો
ભાજપનાં રાષ્ટ્રીય પ્રવકતા સી.વી.એલ.નરસિમ્હા છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડી રહ્યાં છે ત્યારે આજે તેઓએ શહેર ભાજપના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પ્રસંગે રાજુભાઈ ધ્રુવ, કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરી ઉપસ્થિત રહ્યાં હતા.સી.વી.એલ.નરસિમ્હાએ જણાવ્યું હતું કે, તેઓનો ગુજરાત સાથે જુનો સંબંધ છે. તેઓ ૮૦ના દાયકામાં ગુજરાતમાં પાંચ વર્ષ રહ્યાં હતા. ત્યારે તેઓએ ગુજરાતમાં પાણીની અછત, ખેડૂતોની મુશ્કેલીઓ અને મૂળભૂત સુવિધાઓની અછત જ જોઈ હતી. પરંતુ આજે ગુજરાત દેશમાં નહીં પરંતુ વિશ્ર્વભરમાં છવાયું છે.આજે ગુજરાતનું સમગ્ર ચિત્ર બદલાયું છે, ગુજરાત વિકાસની દ્રષ્ટીએ દેશમાં અગ્રેસર છે. વિકાસનું મુખ્ય કારણ ગુજરાતીઓ અને આ ગુજરાતીઓનું સાચુ નેતૃત્વ કરનાર ભાજપ સરકાર છે. ગુજરાતના વિકાસનો શ્રેય જો કોઈના શિરે જાય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ અનેક પ્રજાલક્ષી નિર્ણયો લઈને ગુજરાતની સ્થિતિ જ બદલી નાખી છે. ૨૨ વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ ગુજરાતના વિકાસને જોઈ શકતી નથી. એટલે જ તે ગુજરાતના વિકાસને પાગલપનનું નામ આપીને બદનામ કરી રહ્યું છે. ગુજરાતના વિકાસની ચર્ચા સમગ્ર વિશ્ર્વમાં થઈ રહી છે. પરંતુ કોંગ્રેસને આ વિકાસ દેખાતો જ નથી.વધુમાં નરસિમ્હાએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની હાલત વિદેશી પાર્ટી જેવી છે. લોકો કોંગ્રેસને વિદેશથી આયાત કરેલી પાર્ટી માની રહ્યાં છે. ગઈકાલે કોંગ્રેસ યુવા સંગઠને કરેલા નિવેદન વિશે તેઓએ જણાવ્યું કે, તે ઘટનામાં વડાપ્રધાનનું અપમાન થયું છે જેથી સમગ્ર દેશ નારાજ છે. વડાપ્રધાનના અપમાન એટલે સમગ્ર દેશનું અપમાન. તેઓએ વધુમાં ઉમેર્યું કે, રાહુલ ગાંધીને તેઓ જણાવવા ઈચ્છે છે કે, ભારતમાં મોગલ કે બ્રિટીશનું રાજ નથી ભારતમાં લોકતંત્ર છે. જનતા જેને પસંદ કરે તે જ નેતા બની શકે છે. ભારત પર સોનિયા અને રાહુલને માલિકીના હકક મળ્યા હોય તેવું વર્તન અયોગ્ય છે.કોંગ્રેસની અપમાન કરવાની માનસીકતા ખરાબ છે. બીજાનું અપમાન કરીને કોંગ્રેસ પોતાના સંસ્કારનું પ્રદર્શન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ પરિવારમાંથી આવે છે. તેઓ તેની મહેનત, લગાવ અને પ્રદર્શનના આધારે નેતા બન્યા છે. રાહુલ ગાંધીની જેમ તેઓને પારિવારીક હોદ્દો મળ્યો નથી. ભારતના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન મોદી છે તે વાત કોંગ્રેસથી પચતી નથી. આ ઉપરાંત રાહુલ ગાંધીમાં ક્ષમતા ન હોવા છતાં આખી પાર્ટીનો કારોભાર તેના પર નાખીને તેને અધ્યક્ષનું સ્થાન આપવામાં આવશે.વધુમાં તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, આતંકવાદી મરે તો સોનિયા ગાંધીને રોવું આવું જાય છે અને આતંકવાદી સંગઠનથી ભારતને કઈ બીક નથી તેવા નિવેદનો રાહુલ ગાંધી આપે છે. આ સમગ્ર ઘટનાઓ કોંગ્રેસની માનસીકતા છતી કરે છે. નરસિમ્હાએ કર્ણાટક વિશે જણાવ્યું કે, કોંગ્રેસ શાસીત કર્ણાટક ખેડૂતોની આત્મહત્યાના દરમાં ટોચ પર છે. પહેલા કરતા ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા ચાર ગણી વધી છે. ખેડૂતો આત્મહત્યા કરે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, કોંગ્રેસ સરકાર ઉત્પાદનની સાચી કિંમત આપી શકતી નથી. અનેક ખેડૂતોએ અંસોષના કારણે આત્મહત્યાઓ કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ તે ખેડૂતો માટે શું કર્યું ? તે મોટો પ્રશ્ર્ન છે.કર્ણાટકના ૭૦ થી ૮૦ ટકા વિસ્તારોમાં ગયા વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ હતી. ત્યારે રાહુલ ગાંધી ખેડૂતોની સ્થિતિ જાણવા માટે એક પણ વાર ત્યાં ગયા નથી. ટૂંકમાં કોંગ્રેસની સરકારે કર્ણાટકમાં ખેતીનો સત્યાનાશ કરી નાખ્યો છે.વધુમાં તેઓએ કહ્યું કે, ટિપુ સુલતાને લાખો લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. લાખો લોકોને મારી નાખ્યા હતા, છતાં પણ કોંગ્રેસ કેમ ટિપુ સુલતાનને આદર્શ પુરુષ માને છે તે ચર્ચાનો વિષય છે. વધુમાં એવું લાગી ર્હયું છે કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો મોહમ્મદ ગજનીની જયંતી પણ ઉજવવામાં આવશે.
ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિવાદની કેટલી અસર છે ?
નરસિમ્હાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી પ્રદર્શનના આધારે ચૂંટણી લડે છે. વિકાસના મુદ્દે અમે ચૂંટણી લડીએ છીએ. ઉત્તરપ્રદેશ હોય કે ગુજરાત વિકાસ જ અમારો મુખ્ય ધ્યેય છે. અમે એજ ઉમેદવારોની પસંદગી કરીએ છીએ જે પ્રજાલક્ષી નિર્ણય લે અને પ્રજાની પસંદગી હોય.
શું કોંગ્રેસ વિકાસનું વિરોધી ?
ગુજરાતનો જે વિકાસ સમગ્ર વિશ્ર્વને દેખાયો છે તે વિકાસ માત્ર કોંગ્રેસને જ નથી દેખાયો. ગુજરાતના આ વિકાસને કોંગ્રેસ પાગલપન કહી ગુજરાતના લોકોનું જ અપમાન કરી રહી છે. વિકાસ માત્ર સરકારના કારણે નહીં પરંતુ સરકાર અને જનતાની ભાગીદારીથી થાય છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાત વિકાસ પથ પર દોડી રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતોની ચૂંટણી પર શું અસર ?
નરસિમ્હાએ જણાવ્યું કે, તેઓ જે પણ જગ્યાએ જાય ત્યાં તેઓને એવું જ સાંભળવા મળે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ગૌરવને વધાર્યું છે. વડાપ્રધાન મોદી માત્ર ભારતમાં નેતા તરીકે નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં નેતા તરીકે ઉભરી આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની સરાહના કરે છે. બ્રિકસમાં પણ ભારત ઉભરી આવ્યું છે. જીએસટીના લીધે હજુ પણ ભારત આગળ આવશે.
ભાજપના ૧૫૦ + ટાર્ગેટ વિશે શું કહેવા માંગશો ?
ભાજપ ૧૫૦થી વધુ બેઠકો મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી લડી રહી છે. લોકોનો બહોળો પ્રતિસાદ જોઈને એવું લાગી રહ્યું છે કે, ભાજપ ૧૫૦થી વધુ વિધાનસભા બેઠકો મેળવવાના લક્ષ્યાંકમાં સફળ રહેશે.