૫૧.૫૫ કરોડના ખર્ચે શાપર-વેરાવળમાં પાકા સિમેન્ટ રોડ લોકાર્પણ તથા ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
રાજકોટ તાલુકાના શાપર-વેરાવળ ખાતે ઔધોગિક ઝોનમાં રસ્તા, પાણી, રહેણાંક, આરોગ્ય વિગેરે પ્રશ્ર્નો ઉપસ્થિત થતા શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની રચના કરાઈ હતી. જેમાં આંતરીક રસ્તા બનાવવામાં સરકારની કિટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ અંતર્ગત ૬૦% સરકાર સહાય અને ૨૦% રૂડાની સહાય તથા ૨૦% ઉધોગકારોની સહાયથી આજે ૫૧.૫૫ કરોડના ખર્ચે બનેલા રસ્તાનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.તાજેતરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હોય ત્યારે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં જયાં જયાં રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રચાર અર્થે ગયા છે ત્યાં કોંગ્રેસ હારી છે અને આ વખતે ગુજરાતમાં આવે છે તો કોંગ્રેસનું શું થશે ? તે અંદાજો લગાવી શકાય છે.આ ઉપરાંત શાપર-વેરાવળના ઔધોગિક ઝોનમાં ફાયર સ્ટેશનની જમીનનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. શાપર-વેરાવળ ખાતે સિમેન્ટ રોડ લોકાર્પણ અને ફાયર સ્ટેશન જમીનના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની કામગીરીને સરાહનીય ગણાવી હતી.ગુજરાતમાં જયાં ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ૨૦% રકમના સહયોગથી સરકારની જેમ કાર્ય કરી ઝડપી કામ પુરા થાય તેવી ચિંતા સેવી છે. શાપર-વેરાવળ નજીકના ડર ગામોને માટે ૪૩૦ કરોડના ખર્ચે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવા સરકાર કટીબઘ્ધ છે. જે કાર્ય માટે એશિયન ડેવલોપમેન્ટ બેન્કમાં લોન મંજુરીની કાર્યવાહી શરૂ છે.શાપર-વેરાવળના નાના-નાના સ્પેરસ્પાર્ટના ઉધોગકારોએ પોતાનો વિકાસ જાતે કર્યો છે. જેમાં કોઈ મોટી કંપની આવી નથી. ટાટા બીરલા, મારૂતિ, સુઝુકી જેવી કંપની સહિત ઈસરોમાં પણ શાપર-વેરાવળ-રાજકોટના ઉધોગકારોના સ્પેર સ્પાર્ટસ મોકલે તે ગર્વની વાત છે. મુખ્યમંત્રીએ પાણી બાબતે ખાસ સંબોધન કરતા જણાવ્યું હતું કે દુષ્કાળ ભુતકાળ બનશે. ઈશ્ર્વર પાણી વરસાવે કે નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામોને પીવાનું પાણી મળશે. કોંગ્રેસ લોકોમાં જુઠાણુ ફેલાવે છે કે નર્મદાનું પાણી ઉધોગપતિઓને પહોંચાડાય છે એવું જરાય નથી. નર્મદાનું પાણી ૮૮% ખેડુતોને માટે છે. ૧૦% પીવા માટે વપરાય છે. માત્ર ૨% પાણી જ ઉધોગોમાં વપરાય છે જે ઓન રેકોર્ડ છે. ઉધોગના વિકાસમાં સરકાર માને છે. ઉધોગો આવશે તો રોજગારી લાવશે. વાઈબ્રન્ટ ગુજરાતના લીધે રોજગારીના આંકડામાં વધારો થયો છે. ગુજરાત સમગ્ર ભારતમાંથી રોજગારી ઉત્પન્ન કરતુ નંબર વન રાજય બન્યું છે.આ પ્રસંગે શાપર વેરાવળ એશો.ના પ્રમુખ રમેશભાઇ ટિલાળાએ ઔદ્યોગિક ઝોનના વિકાસમાં રાજય સરકાર દ્વારા મળેલ સહયોગની સરાહના કરી હતી. સ્વાગત ઉદબોધન એશો.ના ઉપપ્રમુખ અમૃતભાઇ ગઢીયા તેમજ આભાર દર્શન જગદીશભાઇ કુકડીયાએ કર્યુ હતું.મુખ્યમંત્રીનું કાર્યક્રમના પ્રારંભે એશોસીએશનના પ્રમુખ અને પદાધિકારીઓ દ્વારા ફુલહાર તેમજ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. શાપર વેરાવળ સિમેન્ટ રોડ તેમજ ફાયર સ્ટેશન લોકાર્પણ પ્રસંગે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષધનસખુભાઇ ભંડેરી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પ્રવિણભાઇ માંકડીયા, રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, જિલ્લા રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી ડી.એસ.પ્રજાપતિ,રૂડાના સીઇઓ પી.પી.પંડયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શાપર વેરાવળ ઇન્ડ એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા સહીત મોટી સંખ્યામાં શાપર વેરાવળ ઉદ્યોગ જગત સો સંકળાયેલા લોકો ઉપસ્તિ રહ્યા હતા.