લોકસભાની ચૂંટણી પૂર્વ ભાજપે શરૂ કર્યો ભરતી મેળો

chirag patel

ગુજરાત ન્યૂઝ 

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સમક્ષ રાજીનામુ આપી દીધુ: કોંગ્રેસનું સભ્યપદ પણ છોડ્યુ: હવે વિધાનસભામાં કોંગ્રેસનું સભ્ય બળ માત્ર 16

લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે માત્ર ચાર મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને હાંસલ કરવા માટે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વિપક્ષનો સફાયો કરવાની વ્યૂહરચના અપનાવી છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઇ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ આજે મધ્ય ગુજરાતના ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય અને ચરોતરના કદાવર પાટીદાર નેતા ચિરાગભાઇ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. સાથોસાથ કોંગ્રેસનું પ્રાથમિક સભ્ય પદ છોડી દીધું છે. હવે તેઓ ગમે ત્યારે કેસરિયા કરશે.

ગુજરાત વિધાનસભાની ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. વર્ષ-2017 વિધાનસભાની ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ-2022 વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો પર સમેટાય ગઇ હતી. ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી માટે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવું પડકાર જનક બન્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર થઇ છે. આ કારમી હારની કળ વળે તે પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મરણ તોલ ફટકો પડ્યો છે. કોંગ્રેસ પોતાના 17 ધારાસભ્યોને પણ સાચવવામાં નિષ્ફળ રહી છે. આજે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પંજાનો સાથ છોડી રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસના હજી કેટલાક મોટા નેતાઓ અને ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની અટકળો ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ફરી ભરતી મેળો શરૂ કર્યા છે. આગામી દિવસોમાં પણ કોંગ્રેસ અને આપના કેટલાક મોટા માથા અથવા ધારાસભ્યો દ્વારા કેસરિયા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ગુજરાતને ભાજપ સંપૂર્ણપણે વિપક્ષમુક્ત બનાવી દેવા માંગે છે. ગત સપ્તાહે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઇ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું. તેઓ ગમે તે ઘડીએ ભાજપમાં જોડાય જાય તેવી સંભાવના જણાય રહી છે.

“આપ” બાદ હવે ભાજપે કોંગ્રેસમાં ભંગાણ પાડવાની રણનીતી અપનાવી છે. મધ્ય ગુજરાતના એક કદાવર કોંગી નેતા અને ધારાસભ્ય આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળી રાજીનામું આપી દીધું છે. આગામી દિવસોમાં હજી આપ અને કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો ભાજપ ખેડવી શકે છે. ભાજપ ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી તમામ 26 બેઠકો જીતી રહી છે. સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવી ભાજપ માટે કોઇ મોટો પડકાર નથી પરંતુ તમામ બેઠકો પાંચ લાખની લીડથી જીતવા માટે ભાજપ અત્યારથી જ તનતોડ મહેનત કરી રહ્યું છે.
મધ્ય ગુજરાતમાં ભાજપ થોડુ નબળુ છે. અહીં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સી.આર.પાટીલ દ્વારા એંડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના સંગઠનના હોદ્ેદારોને ખબર સુધ્ધા નથી હોતી કે તેઓના ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે અને ભાજપ ચૂપચાપ “ઓપરેશન લોટ્સ” પાર ઉતારી રહ્યું છે.

અત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય છું, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે: ચિરાગ પટેલ

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યા હોવાની વાત વહેલી થતા ચિરાગભાઇ પટેલે આજે સવારે મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું. જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે તમે રાજીનામું આપી રહ્યા છો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ન જાણ્યુ જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. ટૂંકમાં તેઓ પંજાનો સાથ છોડી રહ્યા હોવાના સંકેતો આપી દીધા છે. આજે ગમે તે ઘડીએ ધારાસભ્ય અને કોંગ્રેસનું પ્રાથમિક સભ્ય પદ છોડી શકે છે. હાલ હું મારા વિસ્તારના અલગ-અલગ પ્રશ્ર્નોની રજૂઆત કરવા સચિવાલય ખાતે આવ્યો છું. સામાન્ય રીતે ધારાસભ્યો બપોર આસપાસ સચિવાલયમાં આવતા હોય છે. સત્ર ચાલુ ન હોવા છતા ચિરાગ પટેલ આજે સવાર-સવારમાં સચિવાલય પહોંચી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.