પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. પરિણામના દિવસે જ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ચૂંટણીના પરિણામો અને એક્ઝિટ પોલ મુદ્ે સમિક્ષા કરશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. દરમિયાન આવતીકાલે ગુરૂવારે સવારે તમામ બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે. તમામ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં ભાજપ ફરી ગુજરાતમાં સત્તારૂઢ થતી હોવાનો વર્તારો આપવામાં આવ્યો છે છતાં કોંગ્રેસ ગુજરાતમાં જીત માટે આશાવાદ છે.
ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા પરિણામના દિવસે જ ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ ગુરૂવારે ગુજરાતની મૂલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોર, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિતના પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. જેમાં ગુજરાતના પરિણામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે અને એક્ઝિટ પોલ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાવિહોણી છે. સતત સાતમી વખત ગુજરાતમાં પછડાટ મળી રહી હોવાના અનુમાનો આપવામાં આવ્યા છે. આવામાં પરાજયનું પોષ્ટમોર્ટમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.