જે કંપનીની દવાના નામે ડ્રગ્સ આવ્યું તે કંપનીએ અગાઉ પણ 1.75 લાખ કરોડની 25,000 કિલો આ જ પ્રકારની દવાઓની આયાત કરી હતી : કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસે ડ્રગ્સ મુદ્દે દેશભરના શહેરોમાં પત્રકાર પરિષદ યોજી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી
અબતક, રાજકોટ : મુંદ્રામાંથી અંદાજે રૂ. 20 હજાર કરોડની કિંમતના ડ્રગ્સ પકડાઈ જવાના બનાવે દેશભરમાં ચકચાર મચાવી છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થ દેશમાં ઘુસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય આ મામલે કોંગ્રેસ હરકતમાં આવી છે. અને દેશભરના શહેરોમાં આ મામલે પ્રતિભાવ આપવા માટે પ્રેસ કોંફરન્સ ગોઠવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ મુંબઈમાં પત્રકાર પરિષદ કરશે. કોલકાતામાં અશ્વિની કુમાર, ગુવાહાટીમાં મુકુલ વાસનિક, રાયપુરમાં રાજીવ શુક્લ, લખનઉમાં દીપેન્દ્ર હુડા, પટનામાં મોહન પ્રકાશ,સલમાન ખુર્શીદ રાંચીમાં અને શક્તિસિંહ ગોહિલભોપાલમાં પત્રકાર પરિષદ યોજશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
તેઓએ કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ આ મુદ્દાને ઉજાગર કરશે અને તેમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે દબાણ કરશે. ભારતના સૌથી મોટા હેરોઇનના જથ્થામાં, અધિકારીઓએ ગુજરાતના કચ્છ જિલ્લાના અદાણી સંચાલિત મુન્દ્રા બંદરના બે કન્ટેનરમાંથી આશરે 3,000 કિલો ડ્રગ પકડ્યું તે અફઘાનિસ્તાનથી આવ્યું હોવાનું માનવામાં આવે છે અને વૈશ્વિક બજારમાં તેની રૂ. 21,000 કરોડની કિંમત છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જે કંપનીની દવાઓ જપ્ત કરવામાં આવી હતી તે જ કંપનીએ જૂન 2021 માં રૂ. 1.75 લાખ કરોડની સમાન પ્રકારની 25,000 કિલો દવાઓની આયાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ લગભગ 3,000 કિલો હેરોઈન જપ્ત કરવાને લઈને કેન્દ્ર પર હુમલો કર્યો હતો અને પૂછ્યું હતું કે સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નાક નીચે આવી ડ્રગ સિન્ડિકેટ ભારતમાં કેવી રીતે કાર્યરત છે.