ડેન્ગ્યુ અને મેલેરિયાનાં સાચા આંકડા કોર્પોરેશન છુપાવતું હોવાનાં આક્ષેપ સાથે આરોગ્ય શાખામાં હંગામો: ૧૫ દિવસમાં એક જ હોસ્પિટલમાં ડેન્ગ્યુનાં ૧૦૧ કેસ નોંધાયાનો ધડાકો
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં રોગચાળાએ હાહાકાર મચાવયો છે. કોર્પોરેશનનાં ચોપડે રોજ સેંકડો કેસો નોંધાઈ છે છતાં સાચા આકડા છુપાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આજે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોર્પોરેટરોએ કોર્પોરેશનની આરોગ્ય શાખામાં હલ્લાબોલ કર્યું હતું. કોમ્પ્યુટર પર કબજો લઈ લીધો હતો. કલાકોની રકઝક બાદ કોર્પોરેશને એવી સતાવાર જાહેરાત કરી હતી કે, શહેરની એક જ હોસ્પિટલમાં છેલ્લા એક પખવાડિયામાં ડેન્ગ્યુનાં ૧૦૧ કેસ નોંધાયા છે.
આ અંગે વધુ માહિતી આપતા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનનું તંત્ર રોગચાળાનાં સાચા આંકડા છુપાવી રહ્યું છે. આજે આરોગ્ય શાખામાં કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો અને કોમ્પ્યુટર કબજો મેળવી લીધો હતો. કલાકની રકઝક બાદ આરોગ્ય શાખાનાં અધિકારીઓએ એવું કબુલ્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસમાં અમૃતા હોસ્પિટલમાં જ ડેન્ગ્યુનાં ૧૦૧ કેસ નોંધાયા છે. શહેરમાં ૧૫૦થી ૧૭૫ ખાનગી અને સરકારી હોસ્પિટલો આવેલી છે જયાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં રોજ ડેન્ગ્યુનાં સેંકડો કેસો નોંધાયા છે છતાં તંત્ર દ્વારા તેની સતાવાર જાહેરાત કરવામાં આવતી નથી. આજે જયારે કોંગ્રેસે રોગચાળાનાં સાચા આંકડા માટે આરોગ્ય શાખામાં હલ્લાબોલ કર્યુ ત્યારે મહામહેનતે એક હોસ્પિટલમાં નોંધાયેલા ડેન્ગ્યુનાં આંકડા જાહેર કરવામાં આવ્યા જો તમામ હોસ્પિટલનાં આંકડાઓ જાહેર કરવામાં આવે તો આ આંક હજારોની સંખ્યાએ પહોંચે તેવી દહેશત છે. તંત્ર ખોટેખોટુ સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીનાં નાટક કરી રહ્યું છે. વાસ્તવમાં શહેરની સ્થિતિ કંઈક અલગ જ છે. રાજકોટ રોગકોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તમામ હોસ્પિટલમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં રોગચાળાનાં આંકડા લઈ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વિધિવત તેની જાહેરાત કરવામાં આવશે.