રાજયસભાની ચૂંટણી વેળાએ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસની જુથબંધી ચરમસીમાએ પહોંચી: શહેર કોંગ્રેસને વિશ્ર્વાસમાં લીધા વિના જ સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્યનાં રિસોર્ટમાં ઉતારો આપી દેતા ઉકળતો ચરૂ
રાજકોટમાં કોંગ્રેસ પક્ષ કાર્યાલય પણ ધરાવતો નથી આવામાં રાજયસભાની ચૂંટણી પછી નવા-જુનીનાં એંધાણ: ૬૫ ધારાસભ્યોને એક જગ્યાએ સાચવી રાખવાનાં બદલે ૩ ઝોનમાં વહેંચવા પડયા જે પક્ષની ભુંડી સ્થિતિ સાબિત કરે છે
મહાપાલિકાની ચૂંટણી સમયે આ ઈશ્યુ મોટો રોલ ભજવશે: આંતરિક વિખવાદ અને જુથબંધીએ દેશની સૌથી જુની રાજકીય પાર્ટીની ઘોર ખોદી નાખી
ગુજરાતમાં ખાલી પડેલી રાજયસભાની ૪ બેઠકો માટે આગામી ૧૯મી જુનનાં રોજ ચુંટણી યોજાવવાની છે. અગાઉ ચુંટણીની તારીખ જાહેર કરાયા બાદ કોરોનાનાં કારણે મતદાન મુલત્વી રહ્યું હતું. દર વખતની માફક આ વખતે પણ રાજય સભાની ચુંટણી વખતે કોંગ્રેસનાં ધારાસભ્યોનો તુટવાનો સીલસીલો યથાવત રહ્યો છે. અગાઉ પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી એમએલએ પદેથી રાજીનામું આપી દીધું હતું. દરમિયાન છેલ્લા બે દિવસમાં વધુ બે ધારાસભ્યોએ રાજીનામા ફગાવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ઘરવિહોણી પાર્ટી જેવી બની જવા પામી છે. સૌરાષ્ટ્રનાં પક્ષનાં ૨૨ ધારાસભ્યો તુટે નહીં અને સંતોષકારક રીતે સચવાય રહે તેની જવાબદારી પક્ષને છોડી દેનાર રાજકોટનાં પૂર્વ ધારાસભ્યને સોંપવામાં આવતા હવે જુથબંધીનો ચરું ચરમસીમાએ પહોંચી જવા પામ્યો છે.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુનાં યુનિવર્સિટી રોડ પર આવેલા નીલ સીટી રીસોર્ટ ખાતે સૌરાષ્ટ્રનાં ૨૨ ધારાસભ્યોને હાલ રાખવામાં આવ્યા છે. રાજયસભાની ચુંટણી સુધી આ ૨૨ માંથી એક પણ ધારાસભ્ય તુટે નહીં તેની જવાબદારી ઈન્દ્રનીલને સોંપવામાં આવી છે. વાસ્તવમાં હાલ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ કોંગ્રેસ પક્ષમાં જ નથી. બે વર્ષ અગાઉ પક્ષને છોડી દેનાર વ્યકિતને હવે ધારાસભ્યને સાચવવાની જવાબદારી સોંપવામાં આવતા સૌરાષ્ટ્રનાં ધારાસભ્યોમાં આંતરીક રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પક્ષનાં જુના કાર્યકરો, હોદેદારો કે ધારાસભ્ય અથવા સંસદ સભ્યને કોઈ જવાબદારી સોંપવામાં આવે તો સ્થાનિક નેતાગીરીને ચોકકસપણે વિશ્ર્વાસમાં લેવામાં આવતી હોય છે અને આ માટે પાયાનો નિયમ એ છે કે, જેને જવાબદારી સોંપો તે પક્ષ સાથે જોડાયેલો અને સંપૂર્ણપણે વફાદાર હોવો જોઈએ. કોંગ્રેસે સૌરાષ્ટ્રનાં જે ૨૨ ધારાસભ્યોને સાચવવાની જવાબદારી જેના શીરે મુકી છે તે ઈન્દ્રનીલ રાજયગુરુ હાલ કોંગ્રેસમાં પ્રાથમિક સભ્યપદ પણ ધરાવતા નથી. પૂર્વ ધારાસભ્ય, શહેર કોંગ્રેસ પ્રમુખનાં હોદા ભોગવ્યા બાદ તેઓને એવું લાગ્યું કે, પક્ષમાં પોતાનું માન-સન્માન જળવાતું નથી આવું કારણ આપીને તેઓએ કોંગ્રેસનો ખેસ ઉતારી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં જેટલા નેતા એટલા જુથ છે આ વાત સર્વે વિદિત છે. હાલ વિધાનસભામાં કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ ૬૫ ધારાસભ્યોનું છે. આવામાં રાજયસભાની એક બેઠક જ જીતી શકે તેવી સ્થિતિમાં કોંગ્રેસ છે. પોતાના ધારાસભ્યોને તુટતા બચાવવા માટે કોંગ્રેસે તમામ ૬૫ ધારાસભ્યોને કોઈ એક સ્થળે મતદાન દિવસ સુધી સાચવી રાખવાની શકિત પણ હવે કોંગ્રેસ ધરાવતી ન હોય તેવું લાગી રહ્યું છે. ૬૫ ધારાસભ્યોને સાચવવા માટે અલગ-અલગ ત્રણ ઝોનમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવે છે. કોંગ્રેસથી છુટા પડી ગયેલા પરંતુ શકિતસિંહ ગોહિલ સાથે નજીકનો ધરોબો ધરાવતા ઈન્દ્રનીલ રાજયગુરુને ૧૯મી જુન સુધી સૌરાષ્ટ્રનાં ૨૨ સભ્યોને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજે બપોરે મોટાભાગનાં ધારાસભ્યોનું નીલ સીટી કલબ ખાતે આગમન થઈ ગયું હતું પરંતુ તેઓમાં અંદરોઅંદર એવી ચર્ચાઓ થતી હતી કે, જે વ્યકિત પક્ષમાં પ્રાથમિક સભ્યપદ પણ નથી ધરાવતા તેને ધારાસભ્યને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણથી શહેર કોંગ્રેસ અલીપ્ત છે. વર્ષોથી રાજકોટ જેવા શહેરમાં એક સામાન્ય કાર્યાલય પણ સ્થાપી ન શકનાર કોંગ્રેસની હાલત હાલ ઘરવિહોણા જેવી બની ગઈ છે. જે રીતે પક્ષને ઠુકરાવનાર વ્યકિતને પરિસ્થિતિ અનુરૂપ ધારાસભ્યને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે તેજ એક મોટો જવાબ માંગી લેતો સવાલ છે. વાસ્તવમાં બિલાડીને જાણે દુધનાં રખોપા સોંપવામાં આવે અને તેમાં જેટલું જોખમ હોય તેટલું જ જોખમ હાલની પરિસ્થિતિ પર રહેલું છે. અત્યારે બધુ ઉપરથી સારું લાગી રહ્યું હોય પરંતુ રાજયસભાની ચુંટણીનું પરીણામ આવતાની સાથે જ મોટી જવાળામુખી ફાટી નિકળશે જેની અસર ચાલુ વર્ષના અંતમાં યોજાનારી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી પર પડે તે નિશ્ર્ચિત છે. સૌરાષ્ટ્રનાં ૨૨ ધારાસભ્યો પણ કયાં સુધી કોંગ્રેસનો પંજો પકડી રાખે છે તે પણ કહેવું અને કળવું મુશ્કેલ બની ગયું છે. પક્ષનાં સામાન્ય કાર્યકર પણ ન હોય તેવા વ્યકિતનાં બાનમાં રહેવું કોંગ્રેસનાં ધારાસભ્યો માટે હાલ ખુબ જ કઠીન બની ગયું છે. મોટાભાગનાં ધારાસભ્યો થોભો અને રાહ જુઓની સ્થિતિમાં મુકાય ગયા છે.
ચોર જેમ અમુક ઘર મુકી દેતા હોય છે તેમ ભાજપે પણ મારૂ ઘર બાકાત રાખવું પડશે: ઈન્દ્રનીલ
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુંકે, જેમ ચોર ચોરી કરવા માટે અમુક ઘર મુકી દેતા હોય છે તેમ રાજકોટ ભલે ભાજપનો ગઢ હોય છતાં તેણે પણ મારૂ ઘર બાકાત રાખવું પડશે. પરેશભાઈ ધાનાણી અને અર્જૂનભાઈ મોઢવાડીયાના કહેવાથી મેં મારી ફરજ સમજી ફક્ત ધારાસભ્યો માટે નીલસિટી કલબમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી છે. કોંગ્રેસે મને ઘણુ આપ્યું છે. આજે મારી જે કાંઈ ઓળખાણ છે તે કોંગ્રેસના લીધે જ છે. જ્યારે કોંગ્રેસને મારી જ રહશે ત્યારે હું અચુકપણે હાજર રહીશ. કોંગ્રેસમાં ઘણા બધા લોકો સાથે મારા સારા સંબંધો છે. જેમાં ખાસ કરી શક્તિસિંહ સાથે મારી માનસીકતા વધારે મેચ થાય છે વધુમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના કોંગ્રેસમાં કમબેક મુદ્દે જણાવ્યું કે, કમબેક થવાની હાલ કોઈ વાત નથી. મેં નક્કી કર્યું છે કે, આ મુદ્દે મારે કંઈ નક્કી જ કરવું નથી, લોકસેવા મારા નસીબમાં હશે અને એવા સંજોગો ઉભા થશે તો તે સંજોગોને હું સ્વીકૃત રાખીશ.
બ્રિજેશ મેરજાએ પાર્ટી અને પ્રજા બન્ને સાથે દ્રોહ ર્ક્યો: લલીત વસોયા
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ બ્રિજેશ મેરજાના રાજીનામા અંગે તિખી પ્રતિક્રિયા આપતા કહયું હતું કે, મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ ધરી દઈ પાર્ટી અને પ્રજા બન્ને સાથે દ્રોહ કર્યો છે. બ્રિજેશભાઈ અત્યાર સુધીમાં ચાર વખત પક્ષાંતર કરી ચૂકયા છે. હાલ છેલ્લે તેઓએ જે રાજીનામુ આપી પ્રજાનો વિશ્ર્વાસઘાત કર્યો છે તેનો જવાબ પ્રજા ચૂંટણી વખતે જરૂરને જરૂર આપશે. વધુમાં તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે આગામી રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. સાંજે મહત્વની બેઠક યોજાનાર છે.
દ્રોહ કરનારને પ્રજાએ ચપ્પલથી મારવા જોઈએ: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપ ધારાસભ્ય ખરીદવા રૂ.૧૫૦ કરોડ જેટલી રકમ ખર્ચી નાખે છે તો આ પૈસા કોરોનાની મહામારી વચ્ચે વેન્ટીલેટર પાછળ ખર્યા હોત તો પ્રજાનું હિત જળવાત. લોકસભામાં બહુમતિ મળી ગઈ હતી પરંતુ હવે રાજ્યસભામાં બહુમતિ ન મળતી હોય તેથી બહુમતિ મેળવવા ભાજપ ધારાસભ્યોને તોડવાનું કામ કરી રહ્યું છે. ધારાસભ્યો ખરીદાઈ રહ્યાં છે. ત્યારે હવે પ્રજાએ જાગૃત થવાની જરછે. જનતા સાથે જે દ્રોહ કરે છે તેને જનતાએ ચપ્પલથી મારવા જોઈએ. ઉપરાંત જનતાએ બેરોજગારી અને ખેડૂતોના નામે રાજનીતિ કરનારા લોકો સામે વિરોધ દર્શાવી પોતાની તાકાતનો પરચો આપ્વો જોઈએ. જો કે જનતા આવા દ્રોહીઓને બરાબર જવાબ આપતી થઈ છે. રાધનપુર હોય કે બાયડ પ્રજાએ પેટા ચૂંટણીઓમાં પોતાનો અસલી મિજાજ દેખાડ્યો છે. અને હવે મોરબી તથા કરજણની પેટા ચૂંટણીમાં પણ પ્રજા પોતાનો મિજાજ દેખાડવાની છે. અંતમાં તેઓએ કહ્યું હતું કે, ઘણા માટે એ ચિંતાનો વિષય બન્યો છે કે હાર્દિક પાસે કદ નથી છતાં લોકોના કામો કરી રહ્યો છે.
૨૫ હજાર કરોડમાં પણ ભાજપ મારી ટચલી આંગળીનું ટેરવું પણ ન ખરીદી શકે: વિક્રમ માડમ
ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું કે, ભાજપ પાસે ધારાસભ્ય ખરીદવાનો સમય છે. પરંતુ ખેડૂતોના ઘઉં અને ચણા ખરીદવાનો સમય નથી. ખેડૂતોને હાલત વર્તમાન સમયમાં ખૂબજ કફોડી બની ગઈ છે. બિયારણ ખરીદવાના તેમની પાસે પૈસા નથી. ધારાસભ્યોને ખરીદવાની વાત એ જગજાહેર છે. ૨૫ કરોડમાં કોંગ્રેસની આખી ટીમ આવી જાય તે મુદ્દે હું એટલું જ કહીશ કે, ૨૫ હજાર કરોડ લઈને આવી જાય એટલા રૂપિયામાં વિક્રમ માડમનું ટચલી આંગળીનું ટેરવુ પણ ભાજપને મળશે નહીં. ભાજપ બધાને ધમકાવતું હશે. દબાવતું હશે પરંતુ મારી કિતાબ ખુલ્લી છે. જાહેર જીવનમાં હું ૨૫ વર્ષથી છું, ૨ વાર ધારાસભ્ય અને ૨ વાર સાંસદ રહી ચૂકયો છે. એક વાર તો મને કોઈ પૂછવાની હિંમત કરી જુએ કે મારે વેંચાવું છે કે નહીં. જનતાને મારી નમ્ર વિનંતી છે કે, દ્રોહ કરનારાને મત આપવાનું બંધ કરો, ભાજપ ભલે આવાને ટિકિટ આપે પણ હવે જનતાએ જાગવાની જરૂર છે.
ભાજપ કોરોનાથી પણ ખતરનાક વાયરસ: લલીત કગથરા
ટંકારા-પડધરીના કોંગી ધારાસભ્ય લલીત કગથરાએ જણાવ્યું કે, કોરોનાથી પણ ખતરનાક વાયરસ કોંગ્રેસના ૧૫ ધારાસભ્યોને ભરખી ગયો છે. જેથી બધાને એક સુરક્ષીત જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે. ૧૦૦ ટકા ભાજપ એટલો મોટો વાયરસ છે કે, જેને દેશના રાજકારણનું પતન કરી નાખ્યું છે. હું ૨૦૦૨થી પ્રયત્નશીલ હતો ત્યારે આજે ૨૦૨૦માં ધારાસભ્ય બની શક્યો છું, ચાલુ ધારાસભ્ય પદમાંથી રાજીનામુ આપવું કોઈ નાની એવી વાત નથી.
ભાજપમાં કદાચ મારી કોઈ વેલ્યુ નહીં હોય એટલે આજ સુધી ભાજપે મારા ભાવ પુછયો નથી. પાર્ટીને જ્યારે જરૂર હોય ત્યારે પાર્ટીને છોડીને જાયએ ગદ્દાર જ કહેવાય. હાઈ કમાન્ડ જે આદેશ આપે તે મુજબ હવે આગળના કામ કરવામાં આવશે. નિલ સિટી કલબમાં જવાનો આદેશ મળતા અમે તમામ અહીં હાજર થઈ ગયા છીએ.