• સીબીઆઈ, ઇડી અને આઇટીથી કોંગ્રેસ ‘ત્રસ્ત’
  • ચૂંટણી ટાણે જ રૂ.1823 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળ્યા બાદ આર્થિક સંકટમાં સપડાયેલ કોંગ્રેસ હવે લડતના મૂડમાં : દેશવ્યાપી વિરોધ કાર્યક્રમનું ઘડાતું આયોજન

સીબીઆઈ, ઇડી અને હવે આઇટીથી કોંગ્રેસ ત્રસ્ત થઈ ગઈ છે. ચૂંટણી ટાણે જ રૂ.1823 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળ્યા બાદ આર્થિક સંકટમાં સપડાયેલ કોંગ્રેસ હવે લડતના મૂડમાં આવી છે. જેથી દેશવ્યાપી વિરોધ કાર્યક્રમનું આયોજન ઘડી રહી છે. વધુમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે  ટેક્સ ટેરેરિઝમ દ્વારા અમને ખત્મ કરી દેવામાં આવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સ રિટર્નમાં કથિત વિસંગતિઓ માટે રૂ. 1823.08 કરોડની ચુકવણીની નવી નોટિસ જારી કરી છે. પાર્ટીના મહા સચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલાં કર આતંકવાદી (ટેક્સ ટેરરિઝમ) દ્વારા વિપક્ષ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજા નોટિસ એસેસમેન્ટ યર 2017-18થી 2020-21 માટે છે, એમાં દંડ અને વ્યાજ –બંને સામેલ છે.

પાર્ટીના ખજાનચી અજય માકને આરોપ લગાવ્યો હતો કો જે માપદંડોને આધારે કોંગ્રેસ પર દંડની નોટિસ આપવામાં આવી છે. એને આધારે ભાજપથી રૂ.4600 કરોડથી વધુની ચુકવણીની માગ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે અમને આવકવેરા વિભાગથી રૂ. 1823.08 કરોડની ચુકવણી કરવા માટે નવી નોટિસ મળી છે. આવકવેરા વિભાગે અમારા બેન્ક ખાતાથી જબરજસ્તી રૂ. 135 કરોડ કાઢી લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસને આર્થિક રીતે અપંગ બનાવવામાં આવી રહી છે. ચૂંટણીથી પહેલાં સમાન તકની સ્થિતિને ખતમ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

આવકવેરા અધિકારીઓ દ્વારા રૂ. 210 કરોડનો દંડ ફટકારવા અને બેન્ક ખાતાઓને ફ્રીઝ કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ નાણાંની તંગીનો સામનો કરી રહી છે.

પાર્ટીને આ મામલે હાઇ કોર્ટમાંથી પણ કોઈ રાહત નથી મળી અને પાર્ટી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે. પાર્ટીએ ભાજપ પર 19 એપ્રિલથી શરૂ થતી લોકસભાની ચૂંટણી પહેલાં એને આર્થિક રીતે અપંગ બનાવવા અને પાર્ટી વિરુદ્ધ કર અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ તેમણે લગાડ્યો હતો.

સરકાર બદલાયા બાદ લોકશાહીને બરબાદ કરનારા સામે કાર્યવાહી કરાશે : રાહુલ ગાંધી

આવકવેરા વિભાગ તરફથી કોંગ્રેસને મળેલી નોટિસ પર રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકશાહીને બરબાદ કરનારાઓ સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.  કાર્યવાહી એવી હશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય.  આ મારી ગેરંટી છે.

આવકવેરાની નોટિસ સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે

માકને કહ્યું, “કોંગ્રેસ પાર્ટી આવતા સપ્તાહની શરૂઆતમાં આવકવેરાની આ નોટિસ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.  તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ અંગે ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા મુજબ જો ભાજપને મળેલા ભંડોળનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખબર પડશે કે ભ્રષ્ટાચાર કેટલો મોટો છે.  નાણાકીય વર્ષ 2017-18 થી 2020-21 વચ્ચેના આવકવેરા રિટર્નમાં વિસંગતતાને કારણે કોંગ્રેસને આવકવેરાની નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.