ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સોશિયલ મીડિયામાં ફરતી યાદી ખોટી છે, તેમ કહીને ભાજપ પર જુઠો આક્ષેપ કરેલો. તે વખતે કોંગ્રેસ આખી ખોટી છે. તેમ અમે કહેલું તે સાબિત થયું છે.
કોંગ્રેસ નાપાસ થઈ. પાસને પણ હવે લાગ્યું કે “મારા હાળા કોંગ્રેસવાળા છેતરી ગયા જે રીતે ઘટનાક્રમો બની રહ્યાં છે તે પરથી લાગે છે કે, ગુજરાતની જનતા હંમેશા શાણી, સમજુ અને ડાહી રહી છે, પરંતુ ૨૨ વર્ષથી સત્તા વગર તરફરડી કોંગ્રેસ “હવે કોંગ્રેસ ગાંડી થઈ જશે કોંગ્રેસે હંમેશા ગુજરાતમાં અશાંતિ અને અંધાધૂંધી ફેલાવવાનો સતત પ્રયાસ કર્યો છે. તે તેની પાર્ટીમાં જ બૂમરેંગ સાબિત થયું. વિકાસના મુદ્દાને મજાક સમજતી કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ દ્વારા વિવાદ, વેરઝેર કરવા સતત પ્રયાસ કર્યો હવે તેના “હાથના કર્યા, હૈયે વાગ્યાં છે.
પંડયાએ કોંગ્રેસના અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીના નિવેદન સામે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ કોંગ્રેસનાં તમામ પ્રકારનાં વિકૃત સ્વ‚પો જોયા છે. કોંગ્રેસ હંમેશા, નર્મદા વિરોધી, વિકાસ વિરોધી, ગુજરાત વિરોધી અને ગુજરાતના નેતૃત્વ વિરોધી રહી છે, તેથી કોંગ્રેસના ગુજરાતની જનતાની લાગણી વિરુધ્ધનાં કોંગ્રેસ ગઠબંધનો કયારેય સફળ નહીં થાય. કોઈપણ ઘટનાક્રમ બને ત્યારે કોંગ્રેસના નેતાઓ પોતાનાં નેતૃત્વની નિષ્ફળતા છુપાવવાં ભાજપ પર ખોટા આક્ષેપો કરે છે.
અતિવૃષ્ટિમાં તેના ધારાસભ્યો પૂરપીડિતોની સેવામાં જાય નહીં અને તેઓ બેંગ્લોરની ફાઈવ સ્ટાર હોટેલમાં જલસા કરે તો તેમાં પણ કહે કે ભાજપનો હાથ છે.
પોતાના ધારાસભ્યો જતાં રહે તો પણ કહે છે કે ભાજપનો હાથ છે, પાંચ પ્રદેશ પ્રમુખો કર્યા તો શું તેમાં પણ ભાજપનો હાથ છે ? યાદી બહાર પડે તો કહે કે ભાજપનો હાથ છે. ગુજરાતની જનતાએ બધા દ્રશ્યો ટીવી પર જોયાં છે. હવે ભાજપના હાથ છે તેવા જુઠ્ઠા આક્ષેપો મહેરબાની કરી ને બંધ કરે. હાથ તો કોંગ્રેસનું પ્રતિક છે. ભાજપનું પ્રતિક કમળ છે, કમળ એ શાંતિ અને પ્રેમનું પ્રતિક છે, કમળ એ વિકાસ, પ્રગતિ અને સમૃધ્ધિનું પ્રતિક છે. કમળ એ ગુજરાતની જનતાના ગૌરવ અને અસ્મિતાનું પ્રતિક છે. ગુજરાતની જનતાના આશીર્વાદથી કમળ હંમેશા ખીલતું જ આવ્યું છે. જનતાએ હંમેશા ભાજપને સ્વીકાર્યો છે.
જનના જનાર્દનના હમેશા આશીર્વાદથી ભાજપ ૧૫૦ જીતશે તેવો અમને વિશ્ર્વાસ છે, તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.