ગઢડા અને અબડાસા બેઠક શકિતસિંહ ગોહિલ, લીંબડી માટે અર્જુન મોઢવાડીયા, કરજણ માટે સિઘ્ધાર્થ પટેલ, ડાંગ માટે તુષાર ચૌધરી, કપરાડા માટે ગૌરવ પંડયા, ધારી માટે પુંજાભાઈ વંશ અને મોરબી બેઠક માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને જવાબદારી અપાઈ

રાજયસભાની ચાર બેઠકોની ચુંટણી પૂર્વે કોંગ્રેસનો સાથ છોડી ૮ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો માટે સપ્ટેમ્બર માસમાં પેટાચુંટણી યોજાય તેવી સંભાવના જણાઈ રહી છે. ચુંટણી માટેની તારીખોનું એકાદ-બે દિવસમાં એલાન પણ થઈ જશે. સતાધારી પક્ષ ભાજપે તમામ બેઠકો માટે સિનિયર મંત્રી સહિત બે ઈન્ચાર્જની નિમણુક કરી દીધી છે તો સામાપક્ષે વિપક્ષ કોંગ્રેેસે પણ તમામ બેઠકો જાળવી રાખવા માટે કોંગ્રેસે પણ સિનિયરોને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ બેઠકો માટે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા સિનિયર નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેમાં તાજેતરમાં રાજયસભાની ચુંટણીમાં વિજેતા બનનાર સાંસદ શકિતસિંહ ગોહિલને બે બેઠકોની જવાબદારી સોંપાય છે. ગઢડા અને અબડાસા બેઠકની જવાબદારી શકિતસિંહનાં શીરે રહેશે. જયારે લીંબડી વિધાનસભા બેઠકની જવાબદારી પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડીયાને, કરજણ માટે સિઘ્ધાર્થ પટેલ, ડાંગ માટે તુષાર ચૌધરી, કપરાડા માટે ગૌરવ પંડયા, ધારી માટે પુંજાભાઈ વંશ અને મોરબી બેઠક માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને સોંપવામાં આવી છે. બંને પક્ષો દ્વારા જે રીતે પેટાચુંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, પેટાચુંટણીનો જંગ ખુબ જ રોમાંચક બની રહેશે.

ભાજપ કોઈપણ કાળે પેટાચુંટણીમાં વિજેતા બનવા માંગે છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની આઠ બેઠકો જાળવી રાખવા મરણીયું બનશે તેવું લાગી રહ્યું છે કે રાજય ચુંટણીપંચ દ્વારા આગામી સપ્તાહે પેટાચુંટણી માટેની તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી સંભાવના પણ દેખાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.