કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ: નગરસેવકો અને પોલીસ વચ્ચે રકઝક
શહેરભરમાં રાજમાર્ગો પર લાગેલી ભાજપની ઝંડીઓ ઉતારી લેવા કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને આપેલું ત્રણ દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં અલગ-અલગ સ્થળોએ કોંગ્રેસના ઝંડા લગાવી દેવાયા હતા. કોંગી નગરસેવકો અને પોલીસ વચ્ચે સામાન્ય રકઝક પણ થવા પામી હતી. આ તકે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકો ધાક-ધમકી આપી અધિકારીઓને હેરાન કરે છે. મ્યુનિ.કમિશનરે ભાજપમાં જોડાઈ જવું જોઈએ. શહેરભરમાંથી ભાજપની ઝંડીઓ ઉતારી લેવાનું અલ્ટીમેટમ પૂર્ણ થતા આજે કોંગ્રેસે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કોંગ્રેસના ઝંડા લગાવી દીધા છે. જો મહાપાલિકા તંત્ર હજી નહીં સુધરે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અને મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પણ કોંગ્રેસના ઝંડા લગાવી દેવામાં આવશે. શહેરના સર્કલોમાં લાગેલા હોર્ડિંગ બોર્ડ પણ ટ્રાફિકના અને જીડીસીઆરના નિયમનો ઉલાળીયો કરે છે તે પણ હટાવી દેવા જોઈએ.