રાજકોટ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 1.26લાખ લાભાર્થીને રૂ.445 કરોડના લાભો અર્પણ કરાયા

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બેડી માર્કેટ યાર્ડ ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અને વાહન વ્યવહાર રાજય મંત્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મેળામાં રાજકોટ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 1.26લાખ લાભાર્થીને રૂ.445 કરોડના લાભો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં સૌની યોજના જેવી યોજના સાકાર કરીને લોકોને પીવાનું પાણી છેક નર્મદામાંથી આપ્યું.

આમ રાજ્ય સરકાર માટે જનતાનું હીત સર્વોપરી છે તેમ મંત્રીશ્રી વાઘાણીએ વધુમાં કહ્યું હતું. મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કલેક્ટર અરુણ મહેશ બાબુએ કર્યું હતું. લાભાર્થીઓએ પોતાને મળેલ લાભો અંગેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળા તથા પંચાયત વિભાગની ફિલ્મનું પ્રસારણ થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજયકક્ષાના મોરબી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મહાનુભાવોએ ગરીબ મેળામાં ઉભા કરાયેલ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય  કુંવરજીભાઇ બાવળીયા,  જયેશભાઇ રાદડિયા,  ગોવિંદભાઇ પટેલ અને  લાખાભાઈ સાગઠિયા, માર્કેટ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોદરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, પીજીવીસીએલના એમડી વરુણ બરનવાલ, નગરપાલિકાના રીજીઓનલ કમિશનરશ્રી ધીમંત કુમાર, અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.