તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર કાર્યક્રમ અને સરદાર પટેલ પ્રતિમાનું કર્યું અનાવરણ
અબતક, રાજકોટ
જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર કાર્યક્રમ તથા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમને સંબોધતા સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના ખેડૂતોની ચિંતા કરી છે અને તેમની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો અને તે દિશામા કામો પણ શરૂ કર્યા. ખેડૂતોને જરૂરિયાતની તમામ વ્યવસ્થા જેવી કે પાણી, વિજળી, સારા રસ્તાઓ આપવા તે તમામ વિકાસલક્ષી કાર્યો શરૂ કર્યા છે.
રાજયમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 21મી સદીમાં ખેડૂત પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે વ્યવસ્થા સંગઠનના માધ્યમથી સી.આર.પાટીલના નેતૃત્વમાં થઇ તે બદલ તેમનો આભાર માન્યો. રાજયમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષોનો સંકલ્પ છે કે આપણે 182 વિઘાનસભા બેઠકો જીતવી, તો આપણે સૌ સાથે મળી જૂનાગઢ અને ગીર સોમનાથની સાતેય વિઘાનસભા જીતીએ તે વિશ્વાસ સાથે આગળ વધીએ તેમ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોધન કરતા જણાવ્યું કે, કોઇ બેંક શિબિર કરે, ખેડૂતોને આમંત્રિત કરે, ખેડૂતોના હિતની વાત કરે અને ખેડૂત ભાઇઓને મદદ કરવાનો સફળ પ્રયાસ કરે છે તે માટે બેંકના ડિરેકટર, ચેરમેન અને સૌ આગેવાનોને અભિનંદન પાઠવ્યા. ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતો માટે કૃષિરથ થકી ગામે ગામ વૈજ્ઞાનિકો સાથે રાખી સંમેલન કરાવ્યા, જેથી ખેડુતોને ખેતીમાં વધુ જાણકારી મળે, સારો પાક કરી શકે અને ખેડૂતોની આવક વઘી શકે તે દિશામાં પ્રયાસ કર્યા. ખેતીમાં કપાસમાં હવે સારો ભાવ મળતો થયો છે.
કપાસમાં સારા ભાવ મળવા પાછળ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોની આવક વઘે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા. ખેડૂતો પોતાના બાળકોને સારુ શિક્ષણ આપી શકે તે માટે પ્રયત્નો કર્યા, ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવ્યા છે.ખેડૂતોને એક યોજના અંતર્ગત ખેડૂતોને 3 લાખ રૂપિયા 0 ટકા વ્યાજદરે મળે છે તે અંગે માહિતી આપી હતી. કોંગ્રેસની સરકારમાં ખેડૂતના હિત અંગે કોઇ યોજનાઓ બની નથી. કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા ક્યારેય કરી જ નથી, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખેડૂતોની ચિંતા કરી અને વર્ષ દરમિયાન ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય તેમના ખાતામાં સીધા જમા કરાવ્યા.
આખા રાજયમાં 360 જેટલી સહકારી સંસ્થાઓ છે જેમાં સુગર ફેકટકી, ડેરીઓ, કો-ઓપરેટીવ બેંક, એ.પી.એમ.સી માર્કેટ, ખેતી બેંક આવી તમામ સહકારી સંસ્થાઓમાંથી 302 જેટલી સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળે છે. પહેલાના સમયમાં ખાડે ગયેલી કેટલીય સહકારી સંસ્થાઓને ભાજપના આગેવાનોએ જવાબદારી મળતાની સાથે આજે ફરી મજબૂત કરી છે અને આજે પણ પ્રજાના હિત માટે કામ કરી રહી છે.