રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે મનસુખભાઈ કાલરિયા અને ગોપાલ અનડકટના નામની ચર્ચા
68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂને ચૂંટણી જંગમાં ઉતારવાનું ફાઇનલ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે વિધિવત રીતે ઘોષણા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે હાલ મનસુખભાઇ કાલરિયા અને ગોપાલ અનડકટના નામનો ચર્ચામાં છે.
ઉમેદવારોની બીજી યાદીમાં પણ કોંગ્રેસ દ્વારા રાજકોટ પૂર્વ અને પશ્ર્ચિમ બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી ન હતી. દરમિયાન આપનો સાથ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂને કોંગ્રેસ રાજકોટ શહેરની કોઇ એક બેઠક પરથી ચૂંટણી લડાવશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ અને આપના ઉમેદવાર રાહુલ ભૂવા સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂને મેદાનમાં ઉતારશે તે ફાઇનલ થઈ ગયું છે. આ બેઠક માટે કોંગ્રેસમાં અગાઉ પૂર્વ મેયર અશોકભાઇ ડાંગરનું નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે માનવામાં આવતું હતું.
છેલ્લી ઘડીએ પક્ષે તેઓના નામ પર ચોકડી મારી ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકિટ આપવાનું ફાઇનલ કરતા શહેર કોંગ્રેસમાં ફરી ભડકો થઇ ગયો છે. આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી શકે છે. રાજકોટ પૂર્વ બેઠક પર ફરી એક વખત રોમાંચક ચૂંટણી જંગ જામે તેવી શક્યતા પણ જણાઇ રહી છે. બીજી તરફ રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. પરંતુ હાલ પૂર્વ કોર્પોરેટર મનસુખભાઇ કાલરિયા ઉપરાંત યુવા કોંગી અગ્રણી ગોપાલભાઇ અનડકટનું નામ ચર્ચાઇ રહ્યું છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ દ્વારા રાજકોટની બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દેવાશે.