Abtak Media Google News

લોકસભામાં પ્રદર્શન સુધારવા કોંગ્રેસે વ્યૂહરચના ઘડી, ચોક્કસ સમુદાયોને પોતાની તરફ ખેંચવા મથામણ

અબતક, નવી દિલ્હી : વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રદર્શન સુધારવા કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. દેશમાં અનુ.જાતિ અને જન જાતિ પ્રભાવિત 56 સીટો ઉપર કોંગ્રેસે બાજનજર રાખવાનું શરૂ કર્યું છે. આમ કોંગ્રેસે ચોક્કસ સમુદાયોને પોતાની તરફ ખેંચવા મથામણ શરૂ કરી દીધી છે.

તમામ રાજકીય પક્ષોએ મિશન 2024 માટે તૈયારી કરી લીધી છે. તમામ પક્ષો જનતાને રીઝવવામાં વ્યસ્ત છે.  ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જીતની કોશિશ તેજ થઈ ગઈ છે.  હવે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં પોતાની તકોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે પસંદ કરેલા 56 અનામત મતવિસ્તારોમાં જોર કરી દીધું છે.

‘નેતૃત્વ વિકાસ મિશન’ હેઠળ, આગામી ત્રણ મહિનામાં પસંદ કરાયેલ 56 બેઠકો હેઠળના જિલ્લાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતી જૂથોની આશાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવશે.  આમાં એવા લોકોનો સમાવેશ થશે કે જેમણે પંચાયત અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે કામ કર્યું છે, જાતિ/સમુદાયના આગેવાનો, કાર્યકરો, યુવા રાજકારણીઓ જેવા લોકોને નામાંકિત કર્યા પછી, તેઓને તેમના સમુદાયોમાં પક્ષનો પ્રભાવ મજબૂત કરવા માટે તાલીમ આપવામાં આવશે.

કોંગ્રેસે દરેક રાજ્ય માટે સંયોજક નિયુક્ત કર્યા

એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીઓ પરના એઆઈસીસી વિભાગોએ આ 56  સીટ ધરાવતા રાજ્યોમાંના દરેક માટે એક સંયોજક નિયુક્ત કર્યા છે, જેઓ આ મિશન પર તેમના જિલ્લા સમકક્ષો સાથે કામ કરશે.  આ મિશન 28 એસસી અને 28 એસટી મતવિસ્તાર પર કેન્દ્રિત છે, જ્યાં પાર્ટી 2019ની ચૂંટણીમાં બીજા સ્થાને રહી હતી.

વર્ષ 2014 અને 2017ના પરિણામો ઉપરથી કોંગ્રેસે શીખ લીધી

એક અહેવાલ મુજબ, કોંગ્રેસે 2024ની ચૂંટણી પહેલા 17 રાજ્યોમાં ફેલાયેલા 56 મતવિસ્તારોને શોર્ટલિસ્ટ કર્યા છે.  આ પાઠ 2014 અને 2019 ના પરિણામોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.  આ વખતે પાર્ટીનું ધ્યાન અનામત બેઠકો પર કોંગ્રેસની ઘટતી જતી પકડ પર કેન્દ્રિત થવાનું છે. એઆઈસીસીના વિભાગીય વડા શિવાજીરાવ મોઘે (એસટી), અજય યાદવ (ઓબીસી), ઈમરાન પ્રતાપગઢી (લઘુમતી), રાજેશ લિલોથિયા (એસસી) એ આ અંગેના વ્યૂહરચના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.