વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતના લોકતંત્રમાં રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસની વય લોકશાહી કરતાં પણ બે ડગલા આગળ ચાલી રહી છે. એકચક્રી શાસન ચલાવતા કોંગ્રેસના શરૂ થયેલા વળતા પાણી વધુ અટકવાનું નામ લેતા નથી અને સતત પણે સંઘર્ષ કરતી કોંગ્રેસનું ભાવિ શું છે તે કહેવું કોઈપણ રાજકીય તજજ્ઞો માટે અઘરો વિષય બની ગયો છે.
જો કે રાજનીતિમાં કોઈ સ્થિતિ કાયમી હોતી નથી સમય અને સંજોગોને પગલે પ્રજાના મને મતનું વલણ ક્યારે બદલી જાય તે ક્યારેય શાસકને કે સંઘર્ષ કરતા કોઈ પણ રાજકીય પક્ષને જરા પણ સમજાતું નથી. કોંગ્રેસની જ્યાં સુધી વાત કરીએ સંગઠન સંકલન, વહીવટ, રાજકીય ગતિવિધિઓ અને નીતિવિષય, લાંબાગાળાની નિર્ણય શક્તિ અસરકારક ન હોય તે સ્વાભાવિક ગણાય પરંતુ છેલ્લા બે દાયકાથી કોંગ્રેસની કિસ્મત જરા અવળે પાટે ચાલે છે તેમાં પણ જ્યાંથી ભાજપના વિકાસવાદની લહેર ઊભી થઈ છે તેની સામે દિગ્ગજ ગણાતા પક્ષ તરીકે કોંગ્રેસને વારંવાર અસ્તિત્વનો જંગ ખેલવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
એક જમાનામાં કોંગ્રેસ એટલે નેહરુ-ગાંધી વંશની ઓળખથી ઘેરાયેલું હતું જનાધાર મેળવતું આવ્યું હતું હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ક્યાંક ક્યાંક કોંગ્રેસને આ લેબલ જ નડતું હોય તેવું ચિત્ર ઊભું થયું છે પરંતુ એક વાત હકીકત છે કે જ્યારે જ્યારે કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ આવ્યો ત્યારે માત્ર ને માત્ર નેહરુ-ગાંધી વંશના જો કોઈએ તેનો હાથ પકડ્યો હોય તેવી સ્થિતિ એકથી વધુ વાર બની છે પરંતુ હવે ચિત્ર વધુને વધુ સ્પષ્ટ થતું જાય છે. જોકે સંઘર્ષને છેલ્લે સુધી ટક્કર લેવાની બાબતમાં કોંગ્રેસની મક્કમતા ક્યારેય પીછે હઠ કરતી નથી.
કોંગ્રેસે ચૂંટણી વર્ષમાં સંગઠન મજબૂત બનાવવા માટે સાત સભ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિ રણનીતિ આધારિત નિર્ણય કરશે, આ માટેનો આ પ્રયાસ દેર આયે દુરસ્ત આયે જે આશાનું કિરણ બનશે કે ચિડિયા ચુક ગઈ ખેતની જેમ નિષ્ફળ પુરવાર થાય તે તો આવનારો સમય બતાવશે. પરંતુ લોકતંત્રમાં એક વાત એ પણ અનિવાર્ય છે કે શાસક પક્ષની ક્ષમતાની સામે અવશ્યપણે વિપક્ષ પણ મજબૂત હોવું જોઈએ ભલે કોંગ્રેસ માટે સતા દૂર હોય પરંતુ વીપક્ષની ભૂમિકામાં તે મજબૂત બને તો લોકશાહી વધુ મજબૂત બની શકે. કારણકે એક વાત સ્પષ્ટ છે. દેશના વિકાસ માટે અને લોકશાહીને શ્રેષ્ઠ બનાવવા માટે મજબૂત વિપક્ષ જરૂરી છે.