- ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ, ખેતી માટે વીજળી માફ, ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદીમાં સુધારો સહિતના 11 મુદ્દાનો સંકલ્પ પત્ર કાર્યક્રમ જાહેર
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલીત કગથરા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયાએ કરી પત્રકાર પરિષદમાં જાહેરાત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યોજેલ દ્વારકા ચિંતન શિબિર દરમ્યાન ” ઘોષણા પત્ર” માં સમાવેશ થયેલ વિધાનસભા – 2022ની ચુંટણીઓ માટેના ” માટેના સંકલ્પ પત્ર” ની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલીત કગથરા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયાએ યોજેલ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, 2022 પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. 3 લાખ સુધીના તમામ દેવા માફ કરી ખેડૂતોને કર્જ મુકત કરશે.
ખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે 10 કલાક ફ્રી વિજળી તેમજ ” મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે. ખેત ઉત્પાદન ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધ મુકતો કાયદો તથા ટેકાના ભાવે ખરીદી ઉપર ઓછામાં ઓછું મણદિઠ રૂ. 20 બોનસ આપશે.
સહકારી માળખામાં ભાજપે સીધી ઘુષણખોરી કરીને ભાજપના નેતાઓ મલાઈ ખાઈ શકે તે માટે ’મેન્ડેટ’ પ્રથા દાખલ કરીને કાંધીયાઓને બેસાડીને સી. આર. પાટીલના એકાધિકારવાદમાંથી સહકારી સંસ્થાઓને મુક્તિ અપાવશે તેમજ સહકારી સંસ્થાઓમાં સહિલાઓની 33% ભાગીદારી કાયદા દ્વારા સુનિશ્ચિત કરશે.
જમીન માપણીમાં રૂ.500 કરોડનો ભષ્ટ્રાચાર કરીને કરેલ વિવાદાસ્પદ જમીન માપણી રદ કરી, ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન માપણી કરાવીને ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તે માટે હદ નિશાનના પથ્થરો પણ લગાવીને આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્ધ કરાવાશે.
ગુજરાતને પૂન: વૈશ્વિક ’મિલ્ક સ્ટેટ’નો દરજ્જો અપાવવા માટે દરેક પશુપાલકોને દુધના લીટર દીઠ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપવાની સાથે, ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધના સ્ટોરેજ માટે મદદ કરાશે, પશુપાલકોને દરેક ગામમાં પશુઓ માટે વાડાની જમીનો ઉપલબ્ધ કરાવીને ’માલધારી વસાહતો’ ઉભી કરાશે.
માલધારી જો ખેડૂત ના હોય તો ખેતી/સાંથણીની જમીન ખરીદવા/ધારણ કરવાના અધિકારો અપાતાં નથી તે કાયદામાં ફેરકાર કરીને કોંગ્રેસ પક્ષની સરકાર માલધારીને જમીન ધારણ કરીને ખેડૂત બનવાનો અધિકાર આપશે.
ખેડૂતો અને પશુપાલકોને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે દરેક ગામમાં ’કૃષિ સહાયતા કેન્દ્ર’ની સ્થાપના કરાશે અને દરેક તાલુકાઓમાં એગ્રો બેઈઝડ નાના ખજખઊની સ્થાપના કરાશે.
કોંગ્રેસની સરકાર સિંચાઈ નેટવર્કને કાર્યક્ષમ બનાવીને પાણીના ટીપે-ટીપાંનો સિંચાઈના ક્ષેત્રમાં કરકસર યુક્ત ઉપયોગ કરીને ખેડૂતોના સિંચાઈ દરમાં 50%ની રાહત આપશે. તેમજ તળાવો-જળાશયોમાં જળની સંગ્રહિત ક્ષમતા બમણી કરવા માટે મોટાપાયે જળસંગ્રહ અભિયાન ચલાવાશે.
2022 પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. 3 લાખ સુધીના તમામ દેવા માફ, પશુપાલકોને 1 લીટર દૂધદીઠ રૂ.5 સબસીડી, ખેત વીજજોડાણનાં જોડાણની વીજળી ફ્રી તથા દિવસના ભાગે 10 કલાક વિજળી, વીજચોરી કેસો પાછા ખેંચવા, ભ્રષ્ટાચારી નવી જમીન માપણી રદ તથા નવેસરથી માપણી, સહકાર સંસ્થાઓમાંને ભાજપના એકાધિકારવાદમાંથી મુક્તિ, તમામ મોટા ગામોમાં કૃષિ સહાયક કેન્દ્રો, ખેત ઉત્પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ અને ખરીદી ઉપર બોનસ, કેનાલ સિંચાઈના દરોમાં 50 ટકાનો ઘટાડો સહિતના મુદ્દાઓનો સંકલ્પ પત્રમાં જાહેરાત કરી છે.
2022 વિધાનસભાની ચુંટણીઓ પછી આવનારી કોંગ્રેસ પક્ષની સરકાર માટેના નવા સંકલ્પપત્ર-ચુંટણી ઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપના 27 વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વિમા સહિતના અનેક હક્કો ભાજપે ઝુંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં દેશનું અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના મહત્વકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરી હતી.