પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં: ૨૬મીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રાષ્ટ્રીય બેઠક પણ અમદાવાદમાં મળશે
લોકસભાની ચુંટણીને આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચુંટણીલક્ષી તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ધોબી પછડાટ બાદ કોંગ્રેસ ફરી બેઠી થવાના ઈરાદા સાથે ચુંટણીલક્ષી તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.
આજે અમદાવાદ ખાતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના રાષ્ટ્રીય પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં ચુંટણી સમિતિ, મેનીફેસ્ટો સમિતિ અને પબ્લીસીટી સમિતિની એક બેઠક સાંજે મળશે. આગામી ૨૬મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પણ અમદાવાદ ખાતે યોજાવાની હોય અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આજે સાંજે અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય રાજીવ ભવન ખાતે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસની લોકસભા ચુંટણી સમિતિ, મેનીફેસ્ટો સમિતિ અને પબ્લીસીટી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક મળશે.
પ્રદેશ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ આજરોજ મળનાર છે. આગામી ૨૬મીએ યોજાનારી કોંગ્રેસની રાષ્ટ્રીય સીડબલ્યુસીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના હોય તેના ભાગરૂપે પણ આજે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે.