37 સભ્યોની ચૂંટણી કમિટીના રાજકોટના એકપણ નેતાને સ્થાન નહીં: એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખના હોદાની રૂએ રાજકોટના એક માત્ર નરેન્દ્ર સોલંકીનો સમાવેશ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે બે માસનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજયમાં છેલ્લા ર7 વર્ષથી સત્તાથી વંચિત કોંગ્રેસ દ્વારા આ વખતે ગંભીરતાથી ચુંટણીની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. બે દિવસ સુધી સ્કિનીંગ કમિટીની રચના કર્યા બાદ ગઇકાલે મોડી સાંજે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે 37 સભ્યોની કદાવાર ચૂંટણી કમિટીની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજકોટ શહેર કદ મુજબ વેંતરાયું છે મોટાભા થઇને ફરતા રાજકોટ કોંગ્રેસના એકપણ નેતાનો પ્રદેશ ચૂંટણી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખ હોવાના નાતે હોદાની રૂએ રાજકોટના નરેન્દ્ર સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન કે.સી. વેણુગોપાલ દ્વારા ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચુંટણી સમિતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 37 સભ્યો ઉપરાંત હોદાની રૂએ તમામ ફ્રન્ટ મોરચાના પ્રમુખ અને અલગ અલગ ચુંટણી કમિટીના પ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચુંટણી કમિટીમાં ગુજરાતના રાષ્ટ્રીય ઇન્ચાર્જ ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, ઉપરાંત મધુ સુદનભાઇ મીસ્ત્રી, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, સિઘ્ધાર્થભાઇ પટેલ, અમિતભાઇ ચાવડા, મોહનસિંહ રાઠવા, પરેશભાઇ ધાનાણી, નરીઅનભાઇ રાઠવા, તુષારભાઇ ચૌધરી,
શૈલેષભાઇ પરમાર, દિપકભાઇ બાબરીયા, કાદીરભાઇ પીરજાદા, હિંમતસિંહ પટેલ, લલીતભાઇ કગથરા, જીજ્ઞેશભાઇ મેઘાણી, રૂત્વીકભાઇ મકવાણા, અમરીશભાઇ ડેર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞીક, સોનલબેન પટેલ, હિમાંશુભાઇ વ્યાસ, લલીતભાઇ દેસાઇ, સી.જે. ચાવડા, પુંજાભાઇ વંશ, વિરજીભાઇ ઠુંમર, ગ્યાસુદીનભાઇ શેખ, રઘુભાઇ દેસાઇ, અનંત પટેલ, વિક્રમભાઇ માડમ, નૌશાદભાઇ સોલંકી, ચંદ્રીકાબેન ચુડાસમા, લાખાભાઇ ભરવાડ અને બલદેવજી ઠાકોરની નિયુકિત ચુંટણી સમિતિના સભ્ય તરીકે કરવામાં આવી છે.
જેની આગેવાની કે નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા, લોકસભા કે સ્થાનીક સ્વરાજયની અનેક ચુંટણીઓ હારી છે તેવા નેતાઓને ફરી ચુંટણીમાં ઉમેદવારો નકકી કરવા સહીતની મહત્વપૂર્ણ કામગીરી કરતી ચુંટણી સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠન માળખામાં ચોકકસ રાજકોટ શહેરનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ ચુંટણી કમીટીમાં રાજકોટ શહેરના એક પણ નેતાઓ સમાવેશ કરવામાં આવ્યો નથી. રાજકોટના નેતાઓમાં નેતૃત્વ શકિત કે નિર્ણય લેવાની ક્ષમતાથી તેવું નથી પરંતુ હાઇકમાન્ડ રાજકોટના નેતાઓ પર વિશ્ર્વાસ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકો માટે રાજકોટને એપી સેન્ટર કહેવામાં આવે તો પણ વધુ પડતુ ન માની શકાય છતાં શા માટે ચુંટણી કમીટીની રાજકોટ શહેરના કોંગ્રેસના નેતાઓની બાદબાકી કરવામાં આવી તે મોટો સવાલ છે.
ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લાના પ્રમુખ-કાર્યકારી પ્રમુખની વરણી
ગુજરાતમાં સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજયના ત્રણ જિલ્લાના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં આવી છે.તમામને તાત્કાલીક અસરથી ચાર્જ સંભાળી લેવા તાકીદ કરવામાં આવી છે. છોટાઉદેપૂર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ રામચંદ્રભાઈ તિવારી જયારે કાર્યકારી પ્રમુખ તરીકે જગાભાઈ તેરાશીંગભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. જયારે ભરૂચ શહેરના પ્રમુખ તરીકે હરીશભાઈ મોહનભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે કરશનભાઈ ભૂપતભાઈ બારડની નિયુકિત કરવામાં આવી છે. નવા હોદેદારોને કાર્યકરોએ સહર્ષ વધાવી લીધા છે.