જસદણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહિતના ભાજપ અગ્રણીઓ ‘અબતક’ની મુલાકાતે
જસદણ-વિંછીયાના ૨૬૫ ગામડાઓમાં મેં અનેક વિકાસ કામો કર્યા છે. અહીં લોકો મને વ્યકિતગત ધોરણે ઓળખે છે. કોળી મતદારોનું વિભાજન કરવાની કોંગ્રેસની કારી નહીં ફાવે. જસદણ વિધાનસભા બેઠકની આગામી ચુંટણીમાં હું ઐતિહાસિક લીડથી વિજેતા બનીશ તેવો વિશ્વાસ આજે કેબિનેટ મંત્રી અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન વ્યકત કર્યો હતો.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા જયારથી મને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં મેં જસદણ અને વિંછીયા પંથકમાં ૩૭૫ કરોડથી પણ વધુ વિકાસ કામો હાથ ધર્યા છે. હજી અનેક કામો પ્રગતીમાં છે. છેલ્લા છ માસ દરમિયાન અલગ-અલગ ગામોમાં ચાર વખત પ્રવાસ ખેડયો છે. જયાં લોકોએ મને ઉત્સાહભેર આવકાર આપ્યો છે.
વિકાસ કામો પર પુરતુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. સૌની યોજના અંતર્ગત જસદણના આલણસાગર ડેમને નર્મદાના નીરથી ભરી દેવાનું કામ પણ પ્રગતિમાં છે. પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે ૮૦ કરોડથી વધુનો પણ ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પશુ દવાખાનાઓમાં સ્ટાફની ઘટ પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જસદણમાં અત્યાધુનિક સુવિધાથી સજજ પશુ દવાખાનું શરૂ કરવામાં આવશે.
અહીંના યુવાનોને રમત-ગમત માટે મેદાન મળી રહે તે કામગીરી પણ હાથ પર લેવામાં આવી છે. જસદણ અને વિંછીયા પંથકમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ માટે બોટાદ કે રાજકોટ સુધી લાંબુ થવું પડે છે તે સમસ્યા હલ કરવા અહીં વિજ્ઞાન પ્રવાહની પણ કોલેજ શરૂ કરાશે. હેન્ડીક્રાફટ, જાલર, આરતી, હલર, ઓપનર સહિતના જસદણની ખાસીયત ધરાવતા ઉધોગોને વેગ મળે તે માટે જીઆઈડીસી બનાવવામાં આવશે. વિંછીયા નવો તાલુકા બન્યા બાદ અહીં આઈટીઆઈ અને ન્યાયાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બંને કચેરી હાલ ભાડાના મકાનમાં કાર્યરત છે જેને પોતિકુ મકાન મળી રહે તે દિશામાં પણ કામ કરવામાં આવશે. વિંછીયાનો પાણી પ્રશ્વ હલ કરવા ૩૪ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અહીં આવાસ બનાવવામાં આવશે. જસદણમાં મકાન વિહોણા લોકો માટે ૩૩૨ મકાનો બનાવવામાં આવશે. આવતા દિવસોમાં જસદણના છેવાડાના વિસ્તારોને પીવાના પાણી અને ભુગર્ભ ગટરની સુવિધા મળી રહે તે માટે ૨૧ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કોળી મતોનું વિભાજન કરવાની કોંગ્રેસની કારી ફાવશે નહીં. અહીં પક્ષ કરતા લોકો વધુ મારી સાથે જોડાયેલા છે. મેં હંમેશા લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે. ભાજપનું બળ મળતા મારી જીત નિશ્ચીત છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા જિલ્લા પંચાયતની જે બેઠક પરથી ચુંટાયા છે તેમાં સમાવિષ્ટ ૧૮ ગામોમાં તેઓએ ૩ વર્ષ દરમિયાન પ્રવાસ કર્યો નથી.
તેને પોતાના ગામમાંથી એક પણ બુથમાંથી લીડ મળે તેવું દેખાતું નથી. જસદણ-વિંછીયા વિધાનસભા બેઠક પરથી હું અગાઉ ૨૧ હજારથી વધુ મતોથી જીત્યો છું જે રેકોર્ડ છે. આગામી પેટાચુંટણીમાં આ રેકોર્ડ તુટશે અને કુંવરજીભાઈ બાવળીયા ૫૧ હજારથી પણ વધુ મતોથી જીતશે તેવો વિશ્વાસ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી અને સરદાર સરોવર વિકાસ બોર્ડના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરાએ વ્યકત કર્યો હતો.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ‘અબતક મીડિયા હાઉસ’ની મુલાકાત વેળાએ સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.ભરત બોઘરા અને ભાનુભાઈ મેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.