પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ સુરતમાં વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નરેન્દ્ર મોદી એક વાગ્યાના નિયત સમય કરતાં બે અઢી કલાક મોડા આવ્યા હતાં. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રારંભે મોદીએ કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે સભા એક દિવસ સ્થગિત કરવામાં આવી. વાવાઝોડું ઓખી આવે છે આવે છે એમ હતું પરંતુ આવું કહેનારા ક્યારે આવતાં નથી એ આપણે જોયું. એમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતનો વિકાસ કોંગ્રેસને દેખાતો નથી.અને આ જનમેદની જ 18મીના પરિણામ આપી રહી છે.
નીચનો જવાબ EVM ના બટન દબાવી આપજોઃ મોદી
મોદીએ મણીશંકર ઐય્યરના નીચના નિવેદન સામે કહ્યું કે, મેં એક પણ એવું કામ એવું નથી કર્યું. છતાં કોંગ્રેસના હતાશ લોકો આપણને નીચ જાતિના કહી રહ્યાં છે તેનો જવાબ કોઈ પણ નિવેદન, ટ્વિટર કે કોઈપણ રીતે ન આપતાં. આપ સૌને વિનંતી છે કે ગુજરાતીઓનું અપમાન કરનારા આ લોકોને આપ સૌ નવમી અને ચૌદમી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને રોષ વ્યક્ત કરજો અને સાબિત કરી આપજો કે ગુજરાતીઓને ગાળો આપનારાના કેવા હાલ થાય છે. અમને તમે મોતના સૌદાગર કહ્યાં અને હવે નીચ જાતિના કહ્યાં તેનો ગુજરાતીઓ બરાબર જવાબ આપશે.
સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ કોણ આપશેઃમોદી
સુરતના વિકાસના વિકાસ અંગે મોદીએ કહ્યું કે, પહેલા લંગડી વિજળી મળતી એમ કહેવાતું અમે 24 કલાક વિજળી અપાવી. સુરતને ગામડામાંથી શહેરને ચમકાવ્યું. અને એરપોર્ટ પર ફ્લાઈટ આવતી નહોતી. પરંતુ હવે ઈન્ટરનેશનલ એરપોર્ટની માંગણી થાય છે. આ કોણ આપશે તેવો સવાલ કરતાં લોકોએ મોદી મોદી મોદીના નારા લગાવ્યાં હતાં.