શું કોંગ્રેસનાં ધરણાં કોંગ્રેસનાં ધારાસભ્યની ખનીજચોરીની તરફેણમાં છે?: ભરત પંડયા
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં ધારાસભ્ય ભગાભાઈ બારડની રૂ. ૨.૮૩ લાખનાં ખનીજ ચોરી મામલે નામદાર કોર્ટે તેમને પોણા ૩ વર્ષની સજા કરી છે. નામદાર કોર્ટે કાયદા મુજબ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટનાં ૧૦ જુલાઈ, ૨૦૧૩માં લીલી થોમસનાં ચુકાદામાં ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ ધારામાં ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈપણ કેસમાં બે વર્ષથી વધુની સજા તો આપોઆપ તેમનું સભ્યપદ રદ થાય છે.
૧૩ ઓકટોબર, ૨૦૧૫નાં ચૂંટણી પંચનાં પરીપત્ર મુજબ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નિયમ મુજબ ધારાસભ્ય પદરદ કરવાનો નિર્ણય કર્યો છે, તો કોંગ્રેસ ધરણાં કેમ કરે છે? કોંગ્રેસ ૨.૮૩ લાખ ખનીજચોરીની તરફેણમાં ધરણાં કરે છે કે પછી નામદાર કોર્ટ સામે ધરણાં કરે છે?કોંગ્રેસ આતંકવાદ સામે કેમ ધરણાં નથી કરતી? શહિદો માટે શ્રધ્ધાંજલીના કાર્યક્રમો કે ધરણાં કેમ નથી કરતી? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો માટે ધરણાં નથી કરતી અને ખનીજ ચોરી માટે ધરણાં કરે છે. શું આ કોંગ્રેસનું ચાલ ચરિત્ર છે? કોંગ્રેસનાં ધરણાં એ શરમજનક ધરણાં છે.
કોંગ્રેસ કયાં મોંઢે બંધારણ કે સંવિધાનની વાત કહે છે? ૧૯૯૫માં ભાજપની સરકાર ઉથલાવવાનું પાપ કોણે કર્યું હતું? રામમંદિર મુદ્દે ભાજપની ચાર સરકારોને ૩૫૬ ની કલમથી કોંગ્રેસે દૂર કરી હતી. ત્યારે કોંગ્રેસે બંધારણ યાદ નહોતું આવ્યું? જે કોંગ્રેસે ૩૫૬ કલમનો ૫૦ થી વધુ વાર દૂરુપ્રયોગ કર્યો છે તે કોંગ્રેસનાં મોંઢે બંધારણની વાત શોભતી નથી. કોંગ્રેસનાં ખનીજચોરીનાં તરફેણનાં ધરણાં શરમજનક છે.કોંગ્રેસે રાજકીય આક્ષેપ બંધ કરીને નામદાર કોર્ટ સામે ધરણાં કરવાને બદલે કોંગ્રેસે હાઈકોર્ટમાં કે સુપ્રિમકોર્ટમાં જવું જોઈએ.
કોંગ્રેસ બાબુબાઈનાં કેસમાં કાયદાની કયા કલમ અને નિયમનાં આધારે આક્ષેપ કરે છે? તે બતાવે. બાબુભાઈ બોખરીયાનો કેસ ૨૦૧૩ સુપ્રિમનાં ચુકાદા અને ચૂંટણીપંચનાં ૨૦૧૫ના પરીપત્ર પહેલાંનો છે. તેમને તે સમયે સ્ટે આપવામાં આવ્યો હતો અને પછી સુપ્રિમ કોર્ટમાં નિર્દોષ છૂટ્યાં હતાં. જયરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેઓ પછી ધારાસભાની ચૂંટણી પણ લડી શકયા નહોતા. સ્પીકરે નિયમ મુજબ તટસ્થતાપૂર્વક કોંગ્રેસનાં ધારાસભ્યનાં સભ્યપદને રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાંય કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે માત્ર રાજકીય જુઠ્ઠાં આક્ષેપ કરે છે.