રાજકોટ શહેરની ચાર પૈકી બે બેઠકો પર મહિલાઓને કમળનું મેન્ડેટ: જયારે જિલ્લાની ગોંડલ બેઠક પર ભાજપે મૂકયો મહિલા ઉમેદવાર પર વિશ્ર્વાસ

રાજકોટ જિલ્લાની આઠ બેઠકો  પૈકી  સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા  અલગ અલગ ત્રણ બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા  જિલ્લાની એક પણ   બેઠક પર મહિલાને  ટિકિટ  આપવામા આવી નથી.

રાજનીતિમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે માટે રાજયમાં  ભાજપ સરકાર દ્વારા  સ્થાનીક  સ્વરાજયની  ચૂંટણીમાં  મહિલાઓને  50 ટકા  અનામત આપવામા આવ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો  નકકી કરવા માટે છેલ્લી ઘડીએ એક નિર્ણય  લેવામાં આવ્યો હતો જેમા જિલ્લામાં એક મહિલા ઉમેદવાર અને મહાનગરોમાં બે મહિલાઓને ટિકિટ આપવાનું સમીકરણોને ધ્યાનમાં  રાખી નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપે  રાજકોટમાં  ચારેય સિટીંગ  ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખવામાં આવી છે.તમામ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.જેમાં રાજકોટ પશ્ર્ચિમ  બેઠક પર  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્થાને  ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન  શાહને  મેદાનમાં  ઉતારવામાં આવ્યા છે.

જયારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર  સીટીંગ ધારાસભ્ય લાખાભાઈ  સાગઠીયાના  સ્થાને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પર ફરી વિશ્ર્વાસ  મૂકવામાં આવ્યો છે. શહેરની  ચારેય પૈકી   બે બેઠકો પર  ભાજપે બે મહિલાઓને   મેદાનમાં ઉતારી છે. ગત ચૂંટણીમાં એક પણ મહિલાને ટિકિટ  આપવામાં આવી નહતી. આ ઉપરાંત  જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પર   સિટીંગ  ધારાસભ્ય  ગીતાબા જાડેજાને  ટિકિટ આપવામા આવી છે. જિલ્લાની આઠમાંથી   ભાજપે  પાંચ બેઠકો પર મહિલાઓને તક આપી છે.

સામા પક્ષે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાની  આઠ પૈકી એક પણ બેઠક પર   મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો રાજકારણમાં   મહિલાઓની ભાગીદારી વધે અને મહિલા સશકિતકરણની વાતો ચોકકસ  કરે છે. પરંતુ તેની અમલવારીની વાત આવે ત્યારે  સમીકરણોની ચકાસણી  કરવા લાગે છે. ભાજપે આ  વખતે   હિંમત ભર્યો નિર્ણય લીધો છે.  જિલ્લા કક્ષાએ ઓછામાં ઓછી એક બેઠક મહિલાને   આપવામા આવી છે. રાજકોટ જેવા   શહેરમાં ચારમાંથી   બે બેઠકો પર મહિલા ઉમેદવારને ઉભા કરવામાં આવ્યા છે.

જો મહિલાઓને રાજકારણમાં  લાવવી હશે તો  તેઓની કદર કરવી પડશે.  સ્થાનીક   સ્વરાજયની  ચૂંટણીમાં અનામત હોવાના કારણે  ફરજીયાત  પણે મહિલાને  ટિકિટ આપવી પડે છે.  જયારે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને જોઈએ તેટલું પ્રતિનિધિત્વ મળતુ નથી. ભાજપે પણ 10 ટકા  મહિલાઓને ટિકિટ   આપી નથી તે અંગે પણ પક્ષે વિચારણા કરવી પડશે.

મહિલા મોરચાના  કાર્યકતા કે હોદેદાર તરીકે માત્ર મહિલાઓની રાજનીતિ સિમિત  ન રહી જાય તે માટે  દરેક પક્ષે જોવું પડશે.  મહિલા મતદારોની સંખ્યા સતત વધી રહી છે. આવામાં   જો મહિલા  મતદારોને  પોતાની  તરફ આકર્ષિત કરવા હશે તો  તમામ રાજકીય પક્ષોએ મહિલાઓને પ્રતિનિધિત્વ માટેની તક આપવી જ પડશે.

  • વ્યક્તિ નહિ કમળ જ મહત્વનું: ધનસુખ ભંડેરીએ દક્ષિણ બેઠકની જવાબદારી ઉપાડી લીધી
  • પોતે જે બેઠક પર દાવેદારી કરી હતી ત્યાં પક્ષે ટિકિટ ન આપી છતાં કમળ ખીલવવા માટે ગણતરીની કલાકોમાં કામે લાગી ગયા

dhan

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા પોતાને ટિકિટ આપવામાં આવે તેવી દાવેદારી નિરિક્ષકો સમક્ષ પૂર્વ મેયર અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી દ્વારા કરવામાં આવી હતી. પક્ષ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખી આ બેઠક માટે રમેશભાઇ ટીલાળાના નામ પર મહોર મારી છે. ભાજપમાં વ્યક્તિ નહિ પરંતુ કમળનું નિશાન મહત્વનું છે. તે હમેંશા પાયાનો સિધ્ધાંત રહ્યો છે. પોતાને ટિકિટ ન મળી હોવા છતાં ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા માટે ધનસુખ ભંડેરી ગણતરીની કલાકોમાં જવાબદારી ઉપાડી કામે લાગી ગયા છે. ધનસુખભાઇ ભંડેરીને ભાજપ દ્વારા જે કંઇ જવાબદારી સોંપવામાં આવે છે તે પૂરા ખંતથી નિભાવે છે. બે ટર્મ સુધી શહેર ભાજપ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં તેઓએ પક્ષને મજબૂત બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી હતી.

મેયર તરીકેના તેઓના કાર્યકાળમાં રાજકોટનો અદ્વિતીય વિકાસ થયો હતો. જ્યારે મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે સૌથી વધુ સમય રહેવાનો તેઓએ રેકોર્ડ બનાવ્યો હતો અને નાણાના વાંકે કોઇપણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વિકાસના કામો ન અટકે તેની તેઓ સતત ખેવના કરી હતી. વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી. પક્ષે રમેશભાઇ ટીલાળા પર પસંદગીનું કળશ ઢોળતાં ભંડેરીએ પક્ષના આ નિર્ણયને શિરોમાન્ય ગણી ફરી આ બેઠક પર કમળ ખિલે તે માટે જવાબદારી ઉપાડી લીધી છે. ચૂંટણી કોઇપણ હોય ભંડેરીને સોગઠા ગોઠવવામાં માહિર માનવામાં આવે છે. હરિફોને સ્વપ્ને પણ ન ખ્યાલ આવે તે રીતની ચૂંટણી વ્યૂહરચના ભંડેરી ગોઠવે છે. દક્ષિણ બેઠક પરથી રમેશભાઇ ટીલાળાની શહેરની તમામ ચારેય બેઠકો પરથી વધુ લીડ મળે તે માટે અત્યારથી જ તેઓ જવાબદારી ઉઠાવી તનતોડ મહેનત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.