માનવસર્જિત આફતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર રજુ કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરદાર સરોવર પરિયોજનામાં 18 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડતા વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ, દાંડીયા બજાર, અંકલેશ્વરમાં સુરવાડી, ગડખોલ, ઝગડિયા તાલુકામાં અવિધા, પોર, અપરા પરા, તોથી દડા, સિસોદરા, માંગરોળ સહિતના ગામોમાં જાત તપાસ કરતા મકાન, ઘરવખરી, દુકાન, ધંધાઉદ્યોગ, ખેતી,પશુધનને ખુબ મોટું નુકશાન થયું છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં કાદવ કીચડ અને ગંદગીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે.
ત્યારે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતી સરકાર પ્રભાવિત વિસ્તારો રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગની ટીમો મોકલવામાં આવે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલ મોટા પાયે થયેલ તારાજી માટે ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે, માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે, માનવસર્જિત પુરઆફતની ન્યાયધીશની વડપણ હેઠળ સીટની રચના કરી ન્યાયિક તપાસની કરવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
સર્વેની કામગીરી તત્કાળ પૂર્ણ કરવાની પણ માંગણી કરી
ખેડૂતોનો ઉભો પાક ખતમ થઈ ગયો છે, આજે પણ ખેતરોમાં દોઢ ફૂટ પાણી છે, ખેતરોમાં રેતી આવી ગઈ છે, કાદવ છે. ખેડૂતોએ ખૂબ મોટી જહેમત ઉઠાવવી પડશે. સોસાયટીમાં પાણી ભરાવાથી સામાનને નુકસાન થયુ છે, ઘરોમાં 10-10 ફૂટ પાણી ભરાયેલા હતા વિસ્તારના સામાન્ય-મધ્યમવર્ગના લોકો ખુબ હાલાકીની સામનો કરી રહ્યા છે.
સ્થાનીકો સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યુ કે ભૂતકાળમાં જ્યારે પાણી છોડાતુ તો જાણ કરાતી હતી પરંતુ આ વખતે કોઈ જ જાણ કરાઈ નહોતી. ભલે કલેક્ટરની એસી ઓફિસોમાં બેસે પરતું આરોગ્ય મંત્રીને વિનંતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જાય. જે લોકોના મકાન તબાહ થયા છે તેમને ઘર આપવામાં આવે, જેમની સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે તેને વળતર આપવામાં આવે, દુકાનોમાં વેપારીઓને જે નુકસાન થયુ છે તેનો સત્વરે સર્વે કરાવી વળતર આપવામાં આવે, પશુધન મૃત્યુ પામ્યા છે તેનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરે. ત્રણેય જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયુ છે તેના માટે રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલએ જણાવ્યું હતું કે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં છે, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજીની સુચનાથી વડોદરા-ભરૂચ-નર્મદા જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળવા પ્રતિનિધિ મંડળએ મુલાકતની લીધી હતી. અને આખેદેખ્યો તારાજીનો ચિતાર મેળવ્યો હતો. નર્મદા ડેમમાંથી છોડાયેલા 18 લાખ ક્યુસેકથી વધુ પાણીએ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જી છે. અસરગ્રસ્ત લોકોને તબાહીમાં હજુ સુધી કોઈ સરકારી સહાય હજુ મળી ન હોવા અંગે સ્થાનિક લોકોએ આકોશ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના ભવિષ્ય એવા બાળકોના શિક્ષણને પણ મોટું નુકશાન થયું છે. વેપારીઓના માલસામાન સંપૂણપણે નાશ પામ્યા છે. લોકોની ખાનગી મિલકતોની સાથે મોટાપાયે સરકારી મિલકતોને પણ નુકશાન થયાની વિગતો સામે આવી છે. ઉત્સવ-તાયફાપ્રિય ભાજપ સરકારની ઘેલછાને કારણે માનવસર્જિત પુરથી લોકોને ભારે નુકશાન અને દુ:ખ વેઠવું પડ્યું છે ભરાયેલા પાણી ઉતર્યા બાદ પણ કોઈ સહાય ન ચુકવતા લોકોમાં મોટો રોષ જોવા મળ્યો છે જે ભાજપના જીલ્લા પ્રભારી મંત્રી પર ગુસ્સો લોકોએ ઠાલવ્યો હતો.