જૂના નકશા માન્ય રાખવા રાજયપાલને રજુઆત કરાશે
રાજ્યની ભાજપ સરકારે જમીન રિસર્વેની કામગીરીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નવી જમીન માપણી રદ કરીને જૂની માપણી આધારે તૈયાર કરાયેલાં જમીનના નકશા માન્ય રાખવાની માગ કરી છે.
રિસર્વેની કામગીરીની આડમાં ભાજપના પ્રધાનો અને આગેવાનોની સંડોવણીની તપાસ હાઈકોર્ટના સિટીંગ જજ દ્વારા કરાવીને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માગ કરતા કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, રાજ્યના ૧.૨૫ કરોડ સર્વે નંબરોના નકશા ખાનગી એજન્સીઓએ ખેડૂતોની જાણ બહાર બારોબાર આખરી કરી દીધા હોવાથી ગામે ગામ ભાઈઓ-પાડોશીઓ વચ્ચે ખુનખરાબા સર્જાય તેવી સ્ફોટક સ્થિતિ ઉદ્ભવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ રાજ્યપાલને મળીને રજૂઆત કરશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોલંકી અને પૂર્વ પ્રમુખ મોઢવાડિયાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, જમીનોના રિસર્વે માટે કેન્દ્રની કોંગ્રેસ સરકારે લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન એક્ટ અંતર્ગત રાજ્ય સરકારને કરોડો રૂપિયા ફાળવ્યા હતા પરંતુ ગુજરાત સરકારે ખેડૂતો માટે અતિ મહત્વના આ દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી માત્ર ભ્રષ્ચાટાર આચરવાનું સાધન બનાવી દીધું છે. ગુજરાતમાં નવ ખાનગી કંપનીઓ પાસે સેટેલાઈટ મેપિંગથી રિસર્વેની કામગીરી કરવામાં આવી હોવાથી અસંખ્ય ભૂલો સાથે ખોટા નકશા તૈયાર થયા છે. બિનઅનુભવી એજન્સીઓએ માપણીમાં સંપાદિત જમીન, તળાવ, ચેકડેમ, પાકા-કાચા રસ્તાઓ, ગાડામાર્ગ, કૂવા, મકાન વગેરે જમીન ઉપરના ૨૩ ઓબ્જેક્ટ દર્શાવ્યા નથી. જામનગર જિલ્લાનો ઉલ્લેખ કરતાં કોંગી નેતાઓએ કહ્યું કે, આ જિલ્લાના ૪૧૫ ગામમાંથી ૭૧૧ ગામના નકશા તપાસવામાં આવ્યા ત્યારે તમામ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ સમક્ષ ફરિયાદ કરવામાં આવી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટે તપાસ કરીને સેટલમેન્ટ કમિશનરને અહેવાલ સુપરત કર્યો હતો. જેમાં આ માપણી ખોટી હોવાનું અને ગામેગામ મોટા ઝઘડા અને હત્યા સુધી મામલો પહોંચે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી પરંતુ કમિશનરે પગલાં લેવાને બદલે ચાર મહિનાથી આ અહેવાલ દબાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.