મણીશંકર ઐય્યરના ઘરે બોલાવેલી બેઠકમાં પાક. રાજદૂત, પાક.ના વિદેશ મંત્રી તેમજ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સુધીના લોકો હાજર રહ્યાં હોવાનો વડાપ્રધાન મોદીનો દાવો
ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ વડાપ્રધાન મોદીએ કર્યો છે.
પાલનપુરની રેલીમાં મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.
મોદીએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન સૈન્યના પૂર્વ ડિરેકટર જનરલ અરશદ રફીકે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અપીલ કરી હતી.
ત્યારબાદ કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરના ઘરે સિક્રેટ મીટીંગ બોલાવાઈ હતી. જેમાં પાક.ના રાજદૂત અને પૂર્વ વિદેશમંત્રી હાજર રહ્યાં હતા.
એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને પૂર્વ રાષ્ટ્રપતિ હામીદ અંસારી પણ હાજર હતા.
વડાપ્રધાન મોદીના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન આ નિવેદનથી ભારે વિવાદ થઈ શકે છે. અગાઉ કોંગ્રેસના નેતા ઐયરે વડાપ્રધાન મામલે નીચ ટીપ્પણી કર્યા બાદ આ મામલો ખૂબજ ચગાવાયો હતો. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવવા પાકિસ્તાન સાથે કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
તેમણે આ આક્ષેપમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીને પણ ઢસડયા છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા ઐયરે ૧૨૫ કરોડ જનતાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના યુવા નેતા સલમાન નિઝામી રાહુલ ગાંધી માટે પ્રચાર કરી રહ્યાં છે.
તેમણે ટ્વીટર પર રાહુલના પિતા રાજીવ અને દાદી ઈન્દિરા ગાંધીએ બલીદાન આપ્યું હોવાનું તેમજ પરદાદા નેહ‚ ફ્રિડમ ફાઈટર હોવાનું કહ્યું છે. ત્યારબાદ તેમણે મોદીને તેના માતા-પિતા કોણ છે તેનો જવાબ આપવા કહ્યું છે. આવી ભાષાનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેવા સવાલો મોદીએ ઉઠાવ્યા હતા.
મોદીએ કહ્યું હતું કે, સલમાન નિઝામીએ ભારતીય સૈન્યને રેપીસ્ટ કહ્યું હતું. તેણે ટવીટ કર્યું હતું કે, ઘર-ઘર સે અફઝલ નિકલે ગા, શું તમારે દરેક ઘરમાં અફઝલ જોઈએ છે તેવો સવાલ મોદીએ રેલી દરમિયાન કર્યો હતો.
ભાજપ સામે હારવાની કોંગ્રેસે સોપારી લીધી: બાપુ
ગુજરાતના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કોંગ્રેસે ભાજપ સામે હારવાની સોપારી લીધી છે. રાજયમાં થઈ રહેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. કોંગ્રેસ પાસે ગુજરાતમાં ચૂંટણી જીતવાની સારી તક હતી પરંતુ હોમવર્ક બરાબર કર્યું નહીં. ટિકિટ વહેંચણીથી લઈ તમામ જગ્યાએ કોંગ્રેસ ભૂલ કરી હોવાનું તેમણે કહ્યું હતું. ભાજપ ૧૧૦થી વધુ બેઠક ઉપર જીત મેળવી સરકાર રચશે તેવો દાવો શંકરસિંહ વાઘેલાએ કર્યો છે.
જો કોંગ્રેસે હાથ મિલાવ્યો હોય તો પાક. હાઇ કમિશનરને હાંકી કાઢો
ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાન હસ્તક્ષેપ કરી રહ્યું હોવાના આક્ષેપ બાદ કોંગ્રેસ આક્રમક મુડમાં આવી ગયું છે. એઆઈસીસીના પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું છે કે, જો તમારા આક્ષેપ સાચા હોય તો પાક.ના હાઈ કમિશ્નરને હાંકી કાઢતા કેમ નથી. મનીષ તિવારીએ ભાજપ સરકાર હંમેશા પાકિસ્તાન પોલીસી નબળી રાખતી હોવાનો દાવો પણ કર્યો હતો.