જૂનાગઢમાં વડાપ્રધાને કેમ છો બધા, કહી જાહેરસભાની શરૂઆત કરી
ગુજરાત વિરોધીઓની ડિપોઝીટ જાય તે રીતે મતદાન કરો: ફરી એકવાર ૨૬
બેઠકોનો રેકોર્ડ બનવો જોઈએ: વડાપ્રધાન
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે ૧૩ દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જુનાગઢ ખાતે જંગી ચુંટણીસભા સંબોધી ગુજરાતમાં ચુંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્ર પૈસા લુંટવા માટે જ સતા પર આવે છે. તેઓએ યુવાનોને તમારો વોટ શહીદ જવાનોને સમર્પિત કરજો તેમ કહી શહીદોના નામે વોટ માંગ્યા હતા. સાથો સાથ એવું પણ આહવાન કર્યું હતું કે, ગુજરાત વિરોધીઓની ડિપોઝીટ પણ જાય તે રીતે મતદાન કરજો અને ફરી એક વખત રાજયમાં ૨૬ બેઠકોનો રેકોર્ડ બનવો જોઈએ.
જુનાગઢમાં ચુંટણીસભા માટે જતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકું રોકાણ કર્યું હતું ત્યાંથી તેઓ હેલીકોપ્ટરની મદદથી જુનાગઢ પહોંચ્યા હતા. વડાપ્રધાને કેમ છો બધા મજામાં તેવું કહી પોતાની ચુંટણીસભાની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, સોરઠની અને કાઠિયાવાડની ધરા એટલે ગિરનાર, કેસર કેરી અને સિંહની ભૂમિ છે. અહીં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ દેવા અને હવે પછીના પાંચ વર્ષ માટે આદેશ લેવા અહીં આવ્યો છે. ચોકીદાર ચોકકના હૈ, કોંગ્રેસ માત્રને માત્ર પૈસા લુંટવા માટે જ સતા પર આવે છે. તમને આ ચોકીદાર ઉપર ગર્વ થવો જોઈએ કે પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ અમારી સામે થયો નથી. કોંગ્રેસના તુગલક રોડ ચુંટણી ગોટાળો હવે સામો આવ્યો છે. ગરીબોના મોઢાનો કોળીયો પણ કોંગ્રેસના નેતાઓ પોતાના પેટમાં પધરાવી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓ માટે મોકલાવેલા પૈસા પણ કોંગ્રેસે લુંટી લીધા છે.
કોંગ્રેસના કાર્યાલયમાંથી પૈસાના બાંચકા મળી આવ્યા છે. કર્ણાટક બાદ મધ્યપ્રદેશને કોંગ્રેસને એટીએમ બનાવી દીધું છે. મારી સરકાર આતંકવાદ હટાવવાની વાત કરે છે. જયારે કોંગ્રેસ મોદીને હરાવવાની વાત કરે છે. ગાંધી પરીવારને ગુજરાત સાથે નફરત છે. સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસ ભુલ્યું હતું અને તેઓની સાથે અન્યાય કર્યો હતો. મોરારજીભાઈ દેસાઈ ઉભરી આવ્યા તો પણ ગાંધી પરીવારને તેઓની સામે વાંધો પડયો એક ચાય વાલેને પાંચ સાલ બિતાયે એ ગુજરાત કી મીટ્ટી કી તાકાત હૈ.
તેઓએ ભાજપ અને કોંગ્રેસની સરખામણી કરતા જણાવ્યું હતું કે, ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે, આતંકવાદ સામે લડવું, ભ્રષ્ટાચારમુકત શાસન, વિકાસ, ગરીબ કલ્યાણ અને શહેરી વિકાસ જયારે સામેપક્ષે કોંગ્રેસની એક જ ટેપ રેકોર્ડ વાગી રહી છે જેમાં મોદી હટાવો, મોદી હટાવો અને મોદી હટાવો જેવા નારાઓ ગુંજે છે. જમ્મુને દેશથી અલગ કરનારાઓને કોંગ્રેસ સમર્થન આપી રહી છે. જયારે અમે દેશહિતને સર્વોપરી હોય તે બાબતને કેન્દ્રમાં રાખી છે. ભારતના વિભાજન વખતે સરદાર વલ્લભભાઈ પટેલે હિંમતથી હુકમ કર્યા હતા ત્યારે નહે‚ જોતા રહી ગયા હતા. સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈકથી કોંગ્રેસ ડરી ગઈ છે અને તેને દુ:ખે છે પેટ અને કુટે છે માથું.
જો તમારામાં નૂર ન હોય અને તાકાત ન હોય તો જે લોકો કામ કરે છે તેને કામ કરતા રહેવા દેવું જોઈએ. સેના પર શંકા કરનાર સબુત માંગનાર કોંગ્રેસને દેશના પુત્રો ઉપર જ ભરોસો નથી. જેને દેશને લુંટયો છે તેને પાઈ પાઈ ચુકવી પડશે. ગુજરાત ભાગ્યશાળી છે કે કોંગ્રેસ ઘુસી શકયું નથી. ગુજરાત માટે પણ કેન્દ્રએ ઘણી યોજના બનાવી છે હવે માછીમારો માટે નવું મંત્રાલય બનાવવામાં આવશે. પહેલા ચુંટાયો ત્યારે કહ્યું હતું કે,મારી સરકાર ગરીબોની સરકાર હશે. આગામી ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પુરા થાય છે ત્યારે દરેક ગરીબને પાકું ઘર મળે તે અમારી પ્રાથમિકતા રહેશે. ૨૧મી સદીમાં જન્મેલા તમામ યુવાનોને હું વિનંતી કરુ છું કે, તેઓ ચોકકસ મતદાન કરે. જે રીતે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપ ૨૬ માંથી ૨૬ બેઠકો જીત્યું હતું તે રીતે આ વખતે પણ ૨૬ માંથી ૨૬ બેઠકોનો રેકોર્ડ જાળવી રાખવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જુનાગઢમાં યુવાનોને શહિદ જવાનોને સમર્પિત કરવા માટે વોટ આપવાની માંગણી કરી હતી.
જૂનાગઢના કોઈ વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી શકે છે? સરદાર ન હોત તો સોમનાથની દશા શું હોત? કોંગ્રેસ અને ભાજપની તુલના કરવી હોય તો કોંગ્રેસનો ટેપ રેકોર્ડ અને ભાજપના ટ્રેક રેકોર્ડની તુલના કરવી પડે. દેશના હિતની વાત આવે એટલે ભાજપ આગળ હોય, બધા નિર્ણયમાં દેશ હિતમાં સર્વોપરી હોય છે. ગિરનાર રોપ વેમાં રોડા નાંખે છે. પરંતુ ટુરિઝમ અને રોજગારી છે. ગિરનારના સિંહ મારા આવ્યા પછી નથી આવ્યા ટુરિસ્ટોની લાઇન લાગે છે. રૂમ બુક કરાવવા માટે પીએમ ઓફિસ સુધી ફોન ધણધણે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઇ થાંભલો નથી અમે સરદાર પટેલને ઉભા કર્યા છે. કોઇ પૂછે તો અમે ગર્વથી કહી શકીએ કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા અમારા ગુજરાતમાં છે. માછીમારો માટે અમે અલગ મિનિસ્ટ્રી બનાવીશું. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.
નવી સરકાર બન્યા પછી અમે નવી પાણીની મિનિસ્ટ્રી બનાવીશું: ગુજરાતમાં પાણીનો મારો ૧૨ વર્ષનો અનુભવ છે. સંકલ્પપત્રમાં અમે કહ્યું છે કે નવી અમારી સરકાર બનશે. નવી સરકાર બન્યા પછી અમે નવી પાણીની મિનિસ્ટ્રી બનાવીશું. સમુદ્રના પાણીને વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરીશું. શૌચાલય ઇજ્જત ઘર છે. મારી માતાઓ અને બહેનોને અંધારાની રાહ જોવી પડતી. ૭૦ વર્ષે પણ આ કામ મારી માથે આવ્યું. ફરી એકવાર ૨૬નો રેકોર્ડ ચાલુ રાખવો જોઇએ. ગુજરાત વિરોધીઓની ડિપોઝીટ પણ જવી જોઇએ. જે યુવોનાને ૨૧મી સદીમાં જન્મ્યા છે. આ યુવાનો પહેલીવાર મતદાર બન્યા છે. પહેલીવાર મતદાર બનવું એટલે કેટલો હરખ હોય. કારણ કે તેની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ શરૂ થતો હોય છે. જાતિને નહીં, સંપ્રદાયને નહીં પણ દેશહિત કરનારને મત આપજો. તમારો વોટ શહીદ જવાનોને સમર્પિત કરીને આપજો. મે ભી ચોકીદારના નારા લગાવ્યા.
મોદીની સભામાં પોરબંદર, ગીરસોમનાથ જિલ્લાના કોંગ્રેસના ૧૫થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે. ગીરસોમનાથ જિલ્લા પંચાયતના એક સભ્ય, તાલુકા પંચાયતના ૨ સભ્ય અને વેરાવળની મોટી ગ્રામ પંચાયત આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જાડાઇ છે. આ ઉપરાંત પોરબંદરના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ મંત્રી મહંત વિજયદાસજીના પુત્ર ભરતભાઇ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેમને વિજયભાઇએ ખેસ પહેરાવ્યો હતો.
અલ્પેશના આવવાથી સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થાય: દિનુ સોલંકીએ જણાવ્યું હતું કે, મોદીની જીત છે અને જૂનાગઢની પણ જીત છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તેના નસીબ. તેમજ જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ઓબીસી નેતા છે. તેના આવવાથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં પણ ભાજપને ફાયદો થાય. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તૂટી રહી છે, તેના નેતાઓ પર વિશ્વાસ નથી. ગુજરાતમાં ૨૬ સીટો ભાજપ મેળવશે.
જુનાગઢમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, જુનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર બેઠકના ઉમેદવાર રમેશભાઈ ધડુક સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.