મહિલા કોંગી કોર્પોરેટરોએ પદાધિકારીઓની ચેમ્બરની બહાર પાણીનું કુંડાળુ ચિતરી વડા અને લોખંડ મુકી કાચ ફોડી કકળાટ કાઢવાની ક્રિયા કરી: વશરામ સાગઠીયા વિકાસના નામે ધૂણ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પદાધિકારીઓની ચેમ્બર બહાર આવેલી લોબીમાં કોંગ્રેસે કકળાટ કાઢયો હતો અને ભાજપ વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. વિપક્ષી નેતાએ પણ પોતાના પંડમાં વિકાસ આવ્યો હોય તેવું દર્શાવી ધૂણ્યા હતા.
વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં આજે વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતના કોંગી કોર્પોરેટરોએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં પદાધિકારીઓની ચેમ્બરની બહાર કાળી ચૌદશના કકળાટ કાઢવાની ક્રિયા કરી હતી. જેમાં મહિલાઓએ પાણીનું કુંડાળુ કરી વચ્ચે વડા અને લોખંડ મુકયું હતું અને ત્યારબાદ કાચ ફોડી સ્ટીલના વાસણો વગાડી કકળાટ કાઢયો હતો.
આ તકે વિપક્ષી નેતા વશરામભાઈ પણ ધૂણવા લાગ્યા હતા. જયારે તેઓને પુછવામાં આવ્યું કે કેમ ધુણો છે ? ત્યારે કહ્યું કે મને વિકાસ પંડમાં આવ્યો છે અને વિકાસ હવે ગાંડો થઈ ગયો છે. કોંગ્રેસે ભાજપ તારો કકળાટ નીકળ્યો છે અનેભાજપ તારી આ છેલ્લી દિવાળી છે તેવા ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા.