- કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને 14 મુદ્ાઓનું ચેકલીસ્ટ અપાશે: ફોર્મ ભરવા બે વકીલો ફાળવાયા
લોકસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેઓએ કોંગ્રેસના ઉમેદવારો તથા જિલ્લા-શહેર અધ્યક્ષો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી કેટલાક સુચનો આપ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતા ભંગની ફરિયાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુંલ વાસનીકે જણાવ્યું હતું કે લોકશાહીમાં સામાન્ય ચુંટણી મહાપર્વ સમાન હોય છે. ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાન કરશે. ત્યારે ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઇ રહી છે. લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદે રીતે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે. માત્ર ભારતના મતદારો નહીં દુનિયા આ પ્રક્રિયાને જોઇ રહી છે.
તેઓએ કોંગ્રેસના ઉમેદવાર, કોર્ડીનેટર અને નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચુંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાંથી થનારૂં પરિવર્તન આખા દેશ સામે આવશે. કોંગ્રેસે અમે સમય પહેલાં ઉમેદવારો જાહેર કર્યા છે. બાકીના ઉમેદવાર બે-ત્રણ દિવસમાં જાહેર થશે. પરષોતમ રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે. કોઈ સમાજ વિશે આવું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. બેજવાબદાર નિવેદન છે. ગુજરાત કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની બેઠકમાં લોકસભા નિરીક્ષકો, શહેર જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા 14 મુદ્દાનું ચેકલિસ્ટ ઉમેદવારોને આપવામાં આવશે. જેમાં લોકસભાની તમામ વિગતો હશે. લોકસભા ઉમેદવારના ફોર્મ ભરવાથી લઈને કાનૂની સહાય માટે 2 વકીલો ફાળવાયાં છે. ઉમેદવારોની સંગઠન પાસેની અપેક્ષાઓ અને સ્થાનિક લેવલે સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરાય હતી.
ઉમેદવાર અને જિલ્લા અધ્યક્ષો તથા લોકસભા ઇન્ચાર્જની સંયુક્ત બેઠક પણ યોજાઇ હતી. જેમાં લોકસભાના ઉમેદવારોને સજ્જતા સાથે ચુંટણી લડવા માર્ગદર્શન અપાયુ હતું. ચુટંણી માટે જરૂરી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. લોકસભામાં સમાવિષ્ઠ સંગઠનના જરૂરી સંપર્ક અપાયા હતા. ઉમેદવારો સાથે સંકલન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકસભાના ઉમેદવારને ચુટણી આયોજન માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા નિર્ણય લેવાયો હતો. લોકસભાની ચુટંણી માટે સંગઠનની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારો સાથેની બેઠકમાં પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે સલાહ આપી હતી કે કોંગ્રેસ તરફી માહોલ છે, તમામ ઉમેદવારોએ પુર જોશથી લડવાનું છે. આપણે 17 ઉમેદવારો જાહેર કર્યા છે પણ ક્યાંય માથાકૂટ જોવા નથી મળી કમલમ્થી હજુય કકળાટ દૂર નથી થતો આચાર સંહિતાની ફરિયાદ ના થાય તેનું ધ્યાન રાખવું, ફરિયાદની સ્થિતિમાં લીગલ રીતે જવાબ આપવો. ભાજપના ઉમેદવારોના પોસ્ટર લાગ્યા હોય તો તેની ફરિયાદ કરો. પોલિંગ એજન્ટ મૂકવામાં કોઈ ભૂલ ના થાય, નહીં તો તમારી મહેનત બીજું કોઈ લઇ જશે. તેવું જણાવ્યું હતું.
બેઠકમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સિદ્ધાર્થભાઈ પટેલ, એઆઇસીસીનાં મંત્રી રામકીશન ઓઝા, ઉષા નાયડુ સહિત મહત્ત્વનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કોંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે મીડિયા કો.ઓર્ડિનેટરોની નિમણુંક
ત્રણ ઝોનમાં મીડીયા સેન્ટર ઉભા કરાશે: સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકે ડો નિદત બારોટની નિયુકતી
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે મીડીયા કો.ઓર્ડિનેટરની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ ઝોનમાં મીડીયા સેન્ટર ઉભા કરવાના નિર્ણયલેવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને લઈ પૂરજોશમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.તેઓએ રાજયની લોકસભાની તમામ 26 બેઠકો માટે મીડીયા કો.ઓર્ડિનેટરોની નિમણુંક કરી છે. ત્રણેય ઝોનમાં મીડિયા સેન્ટર ઉભા કરવામાં આવશે. જે વિવિધ બેઠકો પર થતી નજર રાખશે. ગુજરાતનાં 4 ઝોનમાં વિભાગીય પ્રવકતાઓની પણ નિમણુંક કરાય છે. દક્ષિણ ગુજરાતનાં મીડિયા સેન્ટરના ઈન્ચાર્જ તરીકે નૈષદ દેશાઈની નિમણુંક કરાય છે. સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકેને જવાબદારી ડો. નિદત બારોટને સોંપવામાં આવી છે. જયારે મધ્ય ગુજરાતનાં મીડિયા સેન્ટરના ઈન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતની નિમણુંક કરાય છે.
કોંગ્રેસ દ્વારા ગુજરાતની 18 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી દીધા છે. જયારે સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના હજી બાકી છે જે આ સપ્તાહે કરી દેવામાં આવશે.