- રાજકોટ દક્ષિણમાં હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્યમાં સુરેશ બથવાર, જસદણમાં ભોળાભાઇ ગોહિલ, જામનગર ઉત્તરમાં બિપેન્દ્રસિંહ જાડેજા, પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડિયા,
- કુતિયાણામાં નાથાભાઇ ઓડેદરા, માણાવદરમાં અરવિંદ લાડાણી અને મહુવા વિધાનસભા બેઠક માટે કનુભાઇ કલસારિયાને મેદાનમાં ઉતારતી કોંગ્રેસ
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાનો વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ આ વખતે ગંભીરતા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ચૂંટણી જાહેર થયાના બીજા દિવસે અને ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રક્રિયા શરૂ થાય તેની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 10 સહિત રાજ્યની 43 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સામે કોંગ્રેસ અમદાવાદ શહેરની ઘાટલોડીયા બેઠક પરથી રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ શહેરની ચાર પૈકી દક્ષિણ અને ગ્રામ્ય બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આવતા સપ્તાહે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે.
કોંગ્રેસ દ્વારા અંજાર બેઠક પર રમેશભાઇ ડાંગર, ગાંધીધામ બેઠક માટે ભરતભાઇ સોલંકી, ડિસા બેઠક માટે સંજયભાઇ રબારી, ખેરાલુ બેઠક માટે મુકેશભાઇ દેસાઇ, કડી બેઠક માટે પ્રવિણભાઇ પરમાર, હિંમતનગર બેઠક માટે કમલેશ કુમાર પટેલ, ઇડર બેઠક માટે રામભાઇ સોલંકી, ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ડો.હિમાંશુ પટેલ, અમદાવાદની ઘાટલોડીયા બેઠક માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક, એલિસ બ્રિજ બેઠક માટે ભીખુભાઇ દવેને ટિકિટ આપવામાં આવી છે.
અમરાઇવાડી બેઠક પરથી ધર્મેન્દ્રભાઇ પટેલ, દશક્રોઇ બેઠક માટે ઉમેદીભાઇ ઝાલા, રાજકોટ દક્ષિણ બેઠક માટે હિતેશભાઇ વોરા, રાજકોટ ગ્રામ્ય બેઠક માટે સુરેશભાઇ બથવાર, જસદણ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, જામનગર નોર્થ બેઠક માટે બિપેન્દ્રસિંહ જાડેજા, પોરબંદર બેઠક માટે અર્જુનભાઇ મોઢવાડિયા, કુતિયાણા બેઠક માટે નાથાભાઇ ઓડેદરા, માણાવદર બેઠક માટે અરવિંદભાઇ લાડાણી, મહુવા બેઠક માટે કનુભાઇ કલસરિયા, નડિયાદ બેઠક માટે ધ્રુવલભાઇ પટેલ, મોહવાહડફ બેઠક માટે સ્નેહલતાબેન ખાંટ, ફતેપુરા બેઠક માટે રઘુભાઇ માચર, ઝાલોદ બેઠક માટે મીતેશભાઇ ગરાસિયા, લીમખેડા બેઠક માટે રમેશભાઇ ગુડીંયા, સનખેડા બેઠક માટે ધીરૂભાઇ ભીલ, સંયાજીગંજ બેઠક માટે અમીબેન રાવતને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અકોટા બેઠક માટે રૂત્વિકભાઇ જોશી, રાવપુરા બેઠક માટે સંજયભાઇ પટેલ, મંજાલપુર બેઠક માટે ડો.તશ્ર્વીનસીંગ, ઓલપાડ બેઠક માટે દર્શન કુમાર નાયક, કામરેજ બેઠક માટે નિલેશ કુમાર કુંભાણી, વરાછા રોડ બેઠક માટે પ્રફુલ્લભાઇ ભેગડીયા, કતારગામ બેઠક માટે કલ્પેશભાઇ વરિયા, સુરત વેસ્ટ બેઠક માટે સંજયભાઇ પટવા, બારડોલી બેઠક માટે પન્નાબેન પટેલ, મહુવા બેઠક માટે હેમાંગીનીબેન ગરાસિયા, ડાંગ બેઠક માટે મુકેશભાઇ પટેલ, જલાલપોર બેઠક માટે રણજીતભાઇ પંચાલ, ગણદેવી બેઠક માટે શંકરભાઇ પટેલ, પારડી બેઠક માટે જયશ્રીબેન પટેલ, કપરાડા બેઠક માટે વસંતભાઇ પટેલ અને ઉમરગામ બેઠક માટે નરેશભાઇ વળવીને કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે. આવતા સપ્તાહે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરશે.
- મુખ્યમંત્રી સામે કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમિબેન યાજ્ઞિકને ઉતાર્યા
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે બેઠક પરથી રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને વિધાનસભાની ટિકિટ આપી છે.
સીએમ સામે મજબૂત ચહેરો ઉતારવામાં આવતા એકવાત બહુ સ્પષ્ટ થઇ જવા પામી છે કે કોંગ્રેસ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપને બરાબર ટક્કર આપવા માંગે છે.
- અર્જુનભાઇ મોઢવાડિયા પર કોંગ્રેસનો વિશ્ર્વાસ અડિખમ
ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા પક્ષનો વિશ્ર્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી હારવા છતા કોંગ્રેસે અર્જુનભાઇને ફરી એકવાર પોરબંદર વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
- ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપીનું ગંઠબંધન તુટ્યુ?
- કુતિયાણા બેઠક પરથી કોંગ્રેસે નાથાભાઇ ઓડેદરાને ટિકિટ આપતા નવી અટકળો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે છેલ્લી ઘડીએ ચૂંટણીથી ગઠબંધન થાય છે. એનસીપી જ્યાંથી ચૂંટણી લડે છે તેવી ત્રણેક બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ઉભા રાખતી ન હતી. એનસીપીના વર્તમાન ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા આ વખતે પણ કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડશે તે નક્કી મનાય રહ્યું છે. છતા કોંગ્રેસ ગઇકાલે જાહેર કરેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં કુતિયાણા બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે નાથાભાઇ ઓડેદરા નામની જાહેરાત કરી છે. જેના પરથી સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતમાં હવે એનસીપીનું ગઠબંધન તૂટ્યુ છે.