દિવ્યાંગ બાળકોને પશ્ચિમ બંગાળમાં ફરવા લઈ ગયા હતા ફલાઈટ ચુકી જતાં કોલકતાથી અમદાવાદ ખાનગી બસમાં પરત ફરતા હતા ત્યારે ટ્રક સાથે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વિશાલ કગથરાનો જીવનદિપ બુઝાયો
વિશાલનું મોઢું બસની બહાર હોવાનાં કારણે ટ્રક અથડાતા હેમરેજ થઈ ગયું: લલિત કગથરાનો બીજો પુત્ર રવિ પણ ઘાયલ: મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ રાજકોટ લવાશે
રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને મોરબી જિલ્લાનાં ટંકારા-પડધરી વિધાનસભા મતવિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાનાં પુત્ર વિશાલનું આજે સવારે પશ્ચિમ બંગાળનાં બહેરામપુરમાં માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
વિશાલ અને રવિ કગથરા સહિતનાં અન્ય ૩ દંપતિઓ દિવ્યાંગ બાળકોને પશ્ચિમ બંગાળ ખાતે પ્રવાસે લઈ ગયા હતા. આજે કોલકતાથી અમદાવાદની ફલાઈટ ચુકી જતાં તેઓ ખાનગી બસ મારફત અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને બસ વચ્ચેનાં ગમખ્વાર અકસ્માતમાં વિશાલનો જીવનદિપ બુઝાયો છે. વિશાલનો મૃતદેહ પશ્ચિ બંગાળમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ રાજકોટ લાવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર અને ટંકારા-પડધરીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાનાં પુત્ર વિશાલભાઈ અને રવિભાઈ સહિત ત્રણ દંપતિઓ સહિતનો પરિવાર દિવ્યાંગ બાળકોને પ્રવાસમાં લઈ ગયો હતો જયાં કલકતાથી ફલાઈટમાં અમદાવાદ તેઓ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચુકી જતાં કલકતાથી તેઓ ખાનગી બસમાં બહેરામપુર તરફ આવી રહ્યા હતા.
ત્યારે ટ્રક અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો એક સાઈડનો ભાગ કચડાઈ ગયો હતો. આ ખાનગીબસમા બેઠેલા ધારાસભ્ય લલિતભાઈ કગથરાનાં પુત્ર વિશાલનું મોઢું બસની બારીની બહાર હોવાથી ટ્રક સાથે અથડાતા તેને હેમરેજ થઈ જતાં મોત નિપજયું હતું. ઉપરાંત તેઓનાં બીજા પુત્ર રવિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ગમખ્વાર અકસ્માતમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાનાં એક પુત્રનું મોત નિપજયું હતું જયારે બીજા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બનાવની જાણ થતાં સમગ્ર કગથરા પરિવાર તેમજ રાજકિય નેતાઓમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો. અનેક આગેવાનોએ આ બનાવ અંગે શોક પણ જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ હાલ વિશાલ કગથરાનાં મૃતદેહને ત્યાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારબાદ તંત્ર સાથે સંકલન સાધીને તાત્કાલિક મૃતદેહને રાજકોટ લાવવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુ:ખની લાગણી વ્યકત કરી મૃતદેહ વતનમાં લઈ આવવા વ્યવસ્થા કરી આપવાની પણ તૈયારી દર્શાવી
ધારાસભ્ય લલીતભાઈ કગથરાના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થતા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળમાં થયેલ માર્ગ અકસ્માતની વિગત પણ લલીતભાઈના ભત્રીજા જયેશભાઈ પાસેથી ટેલીફોન દ્વારા જાણકારી મેળવી ત્યાના સ્થાનીક પ્રશાસન સાથે સંપર્કમા રહી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરત લાવવા પણ વાત કરી છે.