રાજકોટ પૂર્વમાં અરવિંદ રૈયાણી અને મિતુલ દોંગા વચ્ચે જયારે રાજકોટ દક્ષિણમાં ગોવિંદભાઈ પટેલ અને ડો.દિનેશ ચોવટીયા વચ્ચે સીધી ટક્કર
કોંગ્રેસ દ્વારા ગઈકાલે મોડીરાત્રે ઉમેદવારોના નામની વધુ એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ બેઠક માટે મિતુલ દોંગા અને રાજકોટ દક્ષિણ બેઠક માટે ડો.દિનેશ ચોવટીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ બંને ઉમેદવારોએ પોતાના નામાંકન ફાઈલ કર્યા હતા. ૬૮-રાજકોટ પૂર્વ બેઠકમાં ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી અને કોંગ્રેસના મિતુલ દોંગા વચ્ચે જયારે ૭૦ રાજકોટ દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.દિનેશભાઈ ચોવટીયા વચ્ચે સીધી ફાઈટ થશે.રાજકોટની તમામ ચારેય બેઠકો માટે બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે પોતાના ઉમેદવારોના નામાંકન પત્ર રજુ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ માટે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પૂર્વે બંને ઉમેદવારોએ સિવિલ હોસ્પિટલ ચોક પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હારતોરા કર્યા હતા અને ત્યાંથી બંને સરઘસ સ્વ‚પે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મિતુલ દોંગા, રાજકોટ દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગોવિંદભાઈપટેલ સામે ચૂંટણી લડયા હતા જેમાં તેઓએ પરાજયનો સામનો કરવો પડયો હતો. ભાજપે રાજકોટ પૂર્વ બેઠક માટે પાટીદાર સમાજમાંથી આવતા અરવિંદભાઈ રૈયાણીને ટિકિટ આપતા કોંગ્રેસે આ બેઠક માટે મિતુલ દોંગાને ટિકિટ આપી છે તો રાજકોટ દક્ષિણ બેઠક પર રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડો.દિનેશભાઈ ચોવટીયાએ આજે વિશાળ સંખ્યામાં સમર્થકોની હાજરીમાં નામાંકન પત્ર રજુ કર્યું હતું.