બિહાર કોંગ્રેસમાં ૧ સાંધે ત્યાં ૧૩ તૂટે જેવો ઘાટ સર્જાયો છે. ર૭ માંથી ર૬ ધારાસભ્યોને નવા વરાયેલા પ્રદેશ પ્રમુખની સામે ‘વાંધો’ છે. એકંદરે બિહાર કોંગ્રેસમાં યાદવાસ્થળી જેવી પરિસ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના રાજકીય વિશ્ર્લેષકો જોઇ રહ્યા છે.
બિહાર પ્રદેશ કોંગ્રેસ કમીટી (બી.પી.સી.સી.) ચીફ અશોક ચૌધરીના સ્થાને નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ કુતુબ કાદરીએ બુધવારે ચાર્જ સંભાળતા ર૭ પૈકી ર૬ ધારાસભ્યોએ ‘બળવો’ પોકાર્યો છે. આ ર૬ ધારાસભ્યોનો ટેકો અશોક ચૌધરીને છે. બિહાર રાજય પ્રદેશ કોંગ્રેસ કારોબારીની કચેરીએ ગઇકાલે કુતુબ કાદરીની ‘તાજપોશી’ થઇ ત્યારે ર૭માંથી ર૬ ‘નારાજ’ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા જયારે કાદરીના એક માત્ર ટેકેદાર સિઘ્ધાર્થ મલ્હોત્રા જ શપથગ્રહણ સમારોહમાં પટના ખાતે હાજર રહ્યા હતા. બાકીના ધારાસભ્યો હાંકી કઢાયેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ અશોક ચૌધરીની ઘરે પહોંચી ગયા હતા. તેમણે હૈયાવરાળ ઠાલવી હતી અને કાદરી સામે વાંધા રજૂ કર્યા હતા.
વાયા અશોક ચૌધરી નારાજ ચાલી રહેલા ૨૬ ધારાસભ્યોની રાવ પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ સોનિયા ગાંધી સમક્ષ પહોંચી છે. જો કે હજુ સુધી સોનિયા કોઇ જ નિષ્કર્ષ પણ પહોચ્યા નથી. પરિસ્થિતિનો તાગ મેળવાઇ રહ્યો છે. બીજી તરફ બિહાર પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ કુતુબ કાદરીએ કાર્યકરો અને ટેકેદારોને સંગઠનમાં રહીને કામ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બિહાર કોંગ્રેસને મજબુત બનાવવા આપણે મતભેદ ભૂલાવીને કામ કરવાની જરુર છે.